Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

બોરસદમાં 25 હજારનું ડબલ વ્યાજ લઇ ધમકી આપનાર વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : બોરસદની તોરણાવ માતા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતા એક શખ્સને રૂ. ૨૫ હજાર માસિક ૫ ટકાના વ્યાજે આપ્યા બાદ એક શખ્સ દ્વારા રૂ. ૫૧ હજાર ઉપરાંતની રકમ વસૂલવા છતાં મૂડી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપવામાં આવતાં મામલો બોરસદ પોલીસ મથકે પહોંચ્યો છે.

બોરસદના તોરણાવ માતા રોડ ઉપર આવેલ હરિકૃપા સોસાયટીમાં રહેતા જયેશકુમાર રમણીકલાલ સોની ચોક્સી બજારમાં સોની કામ કરે છે. તેમણે એપ્રિલ-૨૦૧૯માં દીકરાની ફી ભરવા માટે બોરસદના મદીના નગરમાં રહેતા અને ચોક્સી બજારમાં દુકાન ધરાવતા ફઝલુલભાઈ અબ્દુલરહેમાન મુનશી પાસેથી રૂ.૨૫ હજાર માસિક ૫ ટકાના વ્યાજે લીધા હતા. ત્યાર બાદ જયેશકુમાર સોનીએ ટુકડે-ટુકડે દર મહિને-બે મહિને ફઝલુલભાઈને વ્યાજના પૈસા આપ્યા હતા અને ફઝલુલભાઈને કુલ રૂ.૫૧,૭૧૦ રકમ ચૂકવી હતી. તેમ છતાં ફઝલુલભાઈ મુનશી મૂડી તથા વ્યાજની વસૂલી માટે જયેશભાઈ સોનીની દુકાને જઈ બેસી જતા હતા. બે દિવસ પૂર્વે ફઝલુલભાઈએ જયેશભાઈ સોનીને ફોન કરી વ્યાજના પૈસા આપવા માટે ધમકાવ્યા હતા.

વધુમાં ફઝલુલભાઈએ આજથી દોઢેક માસ અગાઉ તેઓના મોબાઈલ ફોનથી જયેશભાઈની પત્નીને ફોન કરી વ્યાજે પૈસા આપ્યા છે અને વ્યાજ આપી દેવા તમારા પતિને કહી દેજો તેમ જણાવ્યું હતું. 

(5:45 pm IST)