Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

શહેરોમાં સૂપડાં સાફ પછી કોંગ્રેસને ગામડામાં હારનો ડર

આપ-ઓવેસીની જગ્યાએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો : ૨૦૧૫માં ૬ મહાનગરપાલિકાોમાં મળીને ૧૭૫ બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે ૫૫માં ઘરભેગી થઈ ગઈ

ગાંધીનગર,તા.૨૪ : ગાંધીનગર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬ મહાનગર પાલિકામાં સુપડા સાફ થઈ ગયા બાદ હવે કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે કે ચૂંટણીના આગામી રાઉન્ડમાં પંચાયત અને નગરપાલિકામાં આ પરિણામની અસર દેખાશે અને ૨૮મી ફેબ્રુઆરીએ થનારા આ મતદાનમાં પણ કોંગ્રેસને ઝટકો પડી શકે છે. કોંગ્રેસ આમ પણ આ ૬ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં જ હતી જોકે આ વખતે તો રાજ્યમાં કોંગ્રેસનો એવો રકાસ નીકળ્યો છે કે વિરોધ પક્ષના નેતાની પોસ્ટ મેળવવા માટે પણ ક્વોલિફાય નથી થતી. ૨૦૧૫માં આવેલી ત્રણ આંકડાની ૧૭૫ બેઠકોમાંથી આ વખતે પાર્ટી બે આંકડાની ૫૫ બેઠકો પર સજ સમેટાઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસેને ૧૨૦ બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે તે પૈકી આમ આમદી પાર્ટીએ પોતાના ફાળે ૨૭ બેઠકો ભેગી કરી છે તો ઓવેસીની એઆઈએમઆઈએમ દ્વારા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સારું પ્રદર્શન કરતા ૭ બેઠકો પર કબ્જો જમાવ્યો છે.

     જ્યારે બાકીની બેઠકો ભાજપ લઈ ગયું છે. કોંગ્રેસને પહેલાથી જ એ વાતનો ભય હતો કે જો મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવશે તો ૨૮મી તારીખે યોજાનાર ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણી પર તેની અસર જોવા મળશે. જેના કારણે તેણે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી કે મહાનગરપાલિકાનું પરિણામ પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીના પરિણામ સાથે જ જાહેર કરવામાં આવે જોકે કોંગ્રેસના બદનસીબ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને તરફથી કોંગ્રેસની આ અરજીને નિષ્ફળતા જ સાંપડી હતી. મહત્વનું છે કે ૨૦૧૫માં પંચાયતોમાં ભાજપ કરતા કોંગ્રેસે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હા તે સમયે પણ મહાનગરપાલિકાઓ ભાજપના જ ફાળે રહી હતી પરંતુ અહીં જીત ખૂબ જ પાતળી સરસાઈથી મળી હતી. જ્યારે આ વખતે ૬ મનપામાં બંપર જીત સાથે ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતના શહેરી મતદારો તેની સાથે જ છે. ગુજરાત વિધાનસભાની કુલ ૪૪ બેઠકો આ શહેરી વિસ્તારોમાં આવેલી છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાટીદાર અનામત આંદોલનના કારણે નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. જોકે તે પછી પણ શહેરી વિસ્તારમાં ભાજપની સ્થિતિને કોઈ ફરક પડતો નથી.

(9:28 pm IST)