Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ચૂનાવ રાજનીતિ કા ગીત હૈ, હર પ્રત્યાશી કો ગાના પડેગા, ચૂનાવ વાદે કા સાગર ભી હૈ, કરકે ઉસ પાર જાના પડેગા...

કાલે સાંજ સુધી નગરો - ગામોમાં પ્રચારનો 'ગડગડાટ' : રવિવારે 'મતવર્ષા'

૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી : જાહેર પ્રચારમાં અંતિમ તબક્કાનો ગરમાવો

રાજકોટ તા. ૨૫ : રાજ્યમાં ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. હવે નગરો અને ગામડાઓના લોકોએ મતદાન કરવાનો અવસર આવી રહ્યો છે. તા. ૨૮મીના મતદાન પૂર્વે જાહેર પ્રચાર આડે બે દિવસ બાકી રહ્યા છે. કાલે શુક્રવારે સાંજે ૬ વાગ્યા સુધી પ્રચારના ભૂંગળા ચાલુ રહેશે. કાલે સાંજે જાહેર પ્રચાર બંધ થયા બાદ જુથ બેઠકો અને વ્યકિતગત પ્રચાર ઉમેદવારો વધુ ધ્યાન કેન્દ્રીય કરશે.

ગુજરાતની ૮૧ નગરપાલિકાઓ, ૨૩૧ તાલુકા પંચાયતો અને ખેડા-બનાસકાંઠા સિવાઇની તમામ ૩૧ જિલ્લા પંચાયતોમાં ચૂંટણી છે. ૩ કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે. ગામડાઓમાં શહેરો કરતા ચૂંટણી પ્રચારની પધ્ધતિ અલગ હોય છે. શહેરોના ઘોંઘાટિયા પ્રચારના બદલે ગામડાઓમાં મહદઅંશે શાંત પ્રચાર હોય છે.

તાલુકા જિલ્લા પંચાયતોમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એન.સી.પી. અન્ય પક્ષો અને અપક્ષો મેદાને છે. ભાજપે મહાનગરોની જેમ નગરો અને ગામડાઓમાં પણ વિકાસનો મુદ્દો ચગાવ્યો છે. વિપક્ષોએ ખેડૂતોની સમસ્યા, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા વધારે પ્રભાવિત હોય છે. એક તરફ ગામડાઓમાં ખેતીની મોસમ છે. બીજી તરફ ચૂંટણી પ્રચારની મોસમ ખીલી છે. રવિવારે મતદાન બાદ મંગળવારે મત ગણતરી થશે.

(11:28 am IST)