Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વડોદરા:કલાલી વિસ્તારમાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટની ઓફિસને નિશાન બનાવી તસ્કરોએ ચાર લાખના સામાનની ઉઠાંતરી કરી

વડોદરા: કલાલી વિસ્તારમાં લોટસ કોર્ટ ખાતેની સાઇટ પર મિલકત ખરીદ્યા બાદ જબરજસ્તી ચાર લાખનો સામાન કાઢીને લઇ જનાર ત્રણ માથાભારે શખ્સો સામે ફરિયાદ થતા પોલીસે તપાસ શરૃ કરી છે.

અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ સામે વ્રજધામ સોસાયટીમાં વિંગ્સ વીલા ખાતે રહેતા તેમજ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય કરતા ભદ્રેશ જીતેન્દ્ર ઝવેરીએ ફેબુ્રઆરી-૨૦૧૯માં વિરેન્દ્ર વિસાવાડીયા પાસેથી કલાલીમાં લોટસ કોર્ટ ખાતે ચાર પ્લોટની ખરીદી કરી હતી અને તેનો દસ્તાવેજ પણ કર્યો હતો. પ્લોટની ખરીદી બાદ તેમાં ફર્નિચરનું કામકાજ શરૃ કરાયું હતું.

તા.૨૨ના રોજ ભદ્રેશભાઇ લોટસ કોર્ટ ખાતે ગયા ત્યારે ચાર શખ્સો ત્યાં હાજર હતા અને તોડફોડ કરતા હતાં. આ અંગે ભદ્રેશભાઇએ કોના કહેવાથી કામ કરો છો, દરવાજો કોને તોડયો, ફર્નિચરને નુકસાન કેમ કર્યું અને ઓફિસમાંથી સામાન કેમ કાઢો છો તેમ પૂછતા મજૂરોએ બ્રિજેશ મિસ્ત્રીના કહેવાથી અહીં આવ્યા છે અને સામાન માધવગીરી ગીરીજાશંકરના ઘેર લઇ જવાનો છે તેમ કહ્યું હતું. બાદમાં ભદ્રેશભાઇએ બ્રિજેશને પૂછતા તેણે વિરેન્દ્ર વિસાવાડીયાએ સામાન લઇ જવા કહ્યું છે તેમ જણાવ્યું હતું.

જો કે ત્યાં સુધી મજૂરો ઓફિસમાંથી એસી, એલઇડી લાઇટો, જનરેટર સહિત આશરે રૃા.૪ લાખની મત્તા ઉઠાવી ગયા  હતાં. આ અંગે ભદ્રેશે બ્રિજેશ મિસ્ત્રી, માઘવગીરી અને વિરેન્દ્ર સામે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બ્રિજેશ અને માધવગીરીની ધરપકડ કરી હતી જ્યારે વિરેન્દ્રની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે વિરેન્દ્ર અગાઉ પણ ઠગાઇના ગુનામાં સંડોવાયો છે.

(5:43 pm IST)