Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગોવા રબારીની ગેંગ જેલમાં પણ સક્રિય !! : ઘોડાસરનાં જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી વસૂલી

જમીન દલાલીમાં વધુ કમાયો કહીને રૂ.એક કરોડની ખંડણીની માંગ: પાંચ આરોપીઓ સામે ફરિયાદ

અમદાવાદ :શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા જમીન દલાલનું જસોદાનગર ખાતેથી પાંચ શખ્સોએ 17  ફેબ્રુઆરીએ રાત્રે અપહરણ કર્યું હતું. જમીન દલાલીમાં વધુ કમાયો કહીને રૂ.એક કરોડની ખંડણીની માંગ હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ હતી. પાંચે આરોપીઓએ જમીન દલાલને ગત્રાડ ગામ નજીક લઇ જઇ માર મારી કેનાલમાં ફેંકવાની ધમકી આપી 36 તોલાનો રૂ. 14 લાખનો સોનાનો દોરો પડાવી લીધો હતો. બાકીના 70 લાખનો સોદો તેના મિત્ર થકી કરાવી અને બાદમાં તેને છોડી ફરાર થઇ ગયા હતા. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   ઘોડાસર વિસ્તારમાં આવેલા પુષ્પક ફ્લેટમાં કરણ ભટ્ટ છેલ્લા 15 વર્ષથી જમીન લે-વેચની દલાલી કરે છે. 17 ફેબ્રુઆરીએ રાત્રે નવ વાગ્યે કરણને જશોદાનગર ચાર રસ્તા પાસે કેડિલાબ્રિજ પર મહેશ સોમાભાઇ રબારી નામના શખ્સે હાથથી ઇશારો કરી ઉભો રાખ્યો હતો. તેમની પાસે બે કારમાં અમુક શખ્સો બેઠા હતા. મહેશ રબારીએ વાતચીત કરી બળજબરી કરી કરણ ભટ્ટને કારમાં બેસાડી વસ્ત્રાલ ખાતે નૈયા કોમ્પ્લેક્સના બેસમેન્ટમાં લઇ ગયા હતા. કરણને ધમકી આપી કે, તું દલાલીમાં બહુ કમાયો છે એક કરોડ આપવા પડશે નહિ તો સમાન પડયો છે ગોળી મારી દઈશું તેવી ધમકી આપી હતી.

  કરણ ભટ્ટ પૈસા આપવાની ના પાડતા તેને માર માર્યો અને તેના ભાઈ પાસે સોનાનો દોરો લઈ લીધો હતો. ગત્રાડ ગામે કેનાલ ફેંકવાની ધમકી આપી હતી. બાદમાં રવી રામી નામના કરણનાં મિત્ર પાસે 70 લાખની કબૂલાત કરાવી તેની પાસે પૈસા લઈ લીધા હતા

આખરે ઘટનાની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઈમ બ્રાન્ચે ભાઇપુરા ખોખરાના રહેવાસીઓ મહેશ સોમાભાઇ રબારી, ફુલો મોતી રબારી, નાગજી રત્ના રબારી, અલ્પેશ હીરવાણી તેમજ કરણ મરાઠી વિરૂધ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની નિષ્ક્રિયતાનાં કારણે ગોવા રબારીની ગેંગ ફરી માથું ઉચક્યું છે. ભાઇપુરાની ટોળકી ગોવા રબારી હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું. 17 એ ગુનો બન્યો તમામ ખંડણી ચૂકવાયાની પોલીસે રાહ જોઈ 17 ફેબ્રુઆરીએ રાત્રે જમીન દલાલનું અપહરણ થયું અને 24 મી એ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ હતી. જો કે 70 લાખ ગોવાની ગેંગને પહોંચે તે માટે પોલીસ રાહ જોતી રહી અને રૂપિયા પહોંચ્યા બાદ ફરિયાદ લેતા અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

(7:14 pm IST)