Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નડિયાદની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચારનાર નરાધમ શિક્ષકને આજીવન કેદની સજા: 1.17 લાખનો દંડ

ભોગ બનનારને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો કોર્ટે હુકમ પણ કર્યો

નડિયાદ : શિક્ષક ઉપર લાંછન રૂપ કિસ્સો વર્ષ 2020માં સામે આવ્યો હતો.નડિયાદમાં શિક્ષકે પોતાની હવસ સંતોષવા માટે એક વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આ કેસની સૂનવણી દરમિયાન લંપટ શિક્ષકને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે એક લાખ 17 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને ભોગ બનનારને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો કોર્ટે હુકમ પણ કર્યો છે.

    વસો તાલુકાના કલોલી ગામે ખ્રિસ્તી ફળીયામાં રહેતા મનીષકુમાર પાઉલભાઈ પરમાર સામે વર્ષ 2020માં બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. મનીષ પોતે નડિયાદના પીપલગ રોડ ઉપર આવેલ યુરો સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ઓગસ્ટ 2019 થી જુલાઈ 2020ના સમયગાળામાં તેણે સ્કૂલની એક સગીર વયની વિદ્યાર્થીની ઉપર દાનત બગાડી હતી

  મનીષ અવારનવાર આ વિદ્યાર્થીનીનો પીછો કરતો અને સ્કૂલમાં પણ તેણીની સાથે બિભત્સ વર્તન કરતો હતો. આ હવસખોર શિક્ષક આટલેથી નહીં અટકતા તેણે સોશ્યિલ મીડિયા મારફતે આ વિદ્યાર્થીની સુધી પહોંચી બિભત્સ મેસેજ કરી સગીરાના નગ્ન ફોટા મંગાવતો અને વિડિયો મોકલી પરેશાન કરતો હતો.

ડીસેમ્બર 2019ના પહેલાં અઠવાડિયામાં મનીષ સ્કૂલમાં હતો ત્યારે તેણે પોતાની હવસ સંતોષવા માટે સ્કૂલના બિલ્ડીંગના બીજા માળે આ સગીરાને ચાવી મળેલ છે તેમ કહી બોલાવી હતી. બાદમાં એકલતાનો લાભ મેળવી તેણીની સાથે જબરજસ્તી કરી હતી. આ ઉપરાંત સ્કૂલના જેન્ટસ વોશરૂમમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ પુરેપુરી ઘટના પ્રકાશમાં આવતા સ્કૂલ પ્રશાસને તુરંત આ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો.

 બીજી તરફ સગીર વિદ્યાર્થીનીના પરિવારજનોએ આ અંગે આ અધમકૃત્ય આચરનાર શિક્ષક મનીષ પરમાર વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતા, આજે આ કેસ ખેડા જિલ્લાની સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં ચાલી ગયો છે.

ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે ફરિયાદી પક્ષ અને સામાપક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. ફરિયાદી પક્ષના વકીલ પી. આર. તિવારીએ 31 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે તપાસી કોર્ટે આરોપી શિક્ષક મનીષ પરમારને IPC 376(2) (ડ) (છ) (ટ), 354 તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે. ઉપરાંત જુદી જુદી કલમોમાં કુલ રૂપિયા એક લાખ 17 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે સાથે ભોગબનનારને રૂપિયા 4 લાખ ચૂકવી આપવા હુકમ કરાયો છે.

(7:18 pm IST)