Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સુરતમાં સુરતી, સૌરાષ્ટ્રવાસી કે પરપ્રાંતીય કોણ બનશે મેયર? ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ? : લોકોમાં ઉત્સુકતા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીને 93  જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનું ખાતું ખૂલ્યું નથી, ત્યારે હવે સુરતના મેયર કોણ બનશે તેને લઈને ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. સુરત મહાનગરપાલિકામાં રોટેશન પ્રમાણે પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત રાખવામાં આવી છે, ત્યારે કઈ મહિલા કોર્પોરેટર ને મેમ્બર બનાવવામાં આવે છે તેને લઈને ચર્ચાઓ અને દોડધામ શરૂ થઈ ચૂકી છે

રત મહાનગરપાલિકામાં મેયર તરીકે અઢી વર્ષની પ્રથમ ટર્મ મહિલા જ્યારે બીજી ટર્મ પુરુષ માટે ફાળવવામાં આવી છે. ત્યારે કઈ મહિલા કોર્પોરેટર આ વખતે મેયર બને છે, તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં ત્રણ ટર્મથી જીતતા અને 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટીકીટ નહીં આપવાની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને સિનિયર અને અનુભવી ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી નથી. આમ નવા અને એક ટર્મ રહી ચુકેલી મહિલા કોર્પોરેટરમાંથી જ કોઈને મેયર બનાવવામાં આવશે, જોકે કોણે મેયર બનાવવામાં આવે છે. તેને લઈને પાર્ટીમાં મનોમંથન શરૂ થઈ ગયું છે.

સુરતમાં મૂળ સુરતી, પાટીદાર અને પરપ્રાંતી સમાજનું મોટું પ્રભુત્વ છે, ત્યારે મેયર પદ કયા સમાજની આપવામાં આવે છે તે મહત્વનું રહેશે. કારણકે તમારો મેયર મહિલા બને ત્યારે ડેપ્યુટી મેયર પુરુષને બનાવવામાં આવે છે. બીજી તરફ સૌથી મહત્વનું એવું સ્થાયી સમિતિના અધ્યક્ષનું પદ પણ કોણે આપવામાં આવે છે તે પણ એટલું જ મહત્વનું બની રહે છે. સુરતમાં હાલ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા છે. ઝાંઝમેરા આમ તો પ્રજાપતિ સમાજના વ્યક્તિ છે જોકે તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે, ત્યારે મેયર પદ શું કોઈ સૌરાષ્ટ્રના વ્યક્તિને આપવામાં આવશે?

આ અંગે એવી પણ ચર્ચા છે કે આમ આદમી પાર્ટીના પાટીદાર વિસ્તારમાં થયેલા પગ પેંસારાને પગલે મેયર પદ સૌરાષ્ટ્રવાસી મહિલાને આપવામાં આવશે. જેથી આગામી 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવી શકાય, ત્યારે ભાજપ પ્રદેશના મંત્રી રહી ચૂકેલા દર્શની કોઠીયા મેયર પદની રેશમાં સૌથી આગળ છે. અગાઉ કોઠીયાનું નામ સુરતના સાંસદના ઉમેદવાર તરીકે પણ ચાલ્યું હતું, જોકે ટીકીટ ફરી દર્શના જરદોષને મળી હતી.

અહીં બીજું નામ મૂળ સુરતી એવા હેમાલી બોઘાવાલાનું છે. હેમાલીની આ બીજી ટર્મ છે. હેમાલી ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રહી ચૂક્યા છે, સાથે જ જીએસઆરટીસીના ડિરેકટર પણ તેઓ હતાં. ગત ટર્મમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હતાં. આમ તેમને પાલિકાના વહીવટનો સારો અનુભવ છે. જોકે આ બધા વચ્ચે એક વાત ખૂબ સ્પષ્ટ છે, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની ગુડ બુકમાં હશે તે જ મેયર બનશે.

જેવી રીતે મેયર પદ મહત્વનું છે, તેવી જ રીતે ડેપ્યુટી મેયર પદ પણ એટલું જ મહત્વનું છે. ડેપ્યુટી મેયરનું પદ પુરુષને આપવામાં આવી શકે છે, ત્યારે જે જ્ઞાતિના વ્યક્તિને મેયર બનાવવામાં આવશે તે સિવાયની અન્ય જ્ઞાતિના વ્યક્તિને ડેપ્યુટી મેયર બનાવવામાં આવી શકે છે.

મહાનગર પાલિકાનો સમગ્ર વહીવટ સ્થાયી સમિતિ અધ્યક્ષ પાસે હોય છે. વિકાસના તમામ કામો સ્થાયી સમિતિ અધ્યક્ષની મંજૂરી બાદ જ અમલમાં આવતા હોય છે, ત્યારે છ હજાર કરોડથી વધુના વહીવટવાળી સુરત મહાનગરપાલિકાના સાઈ સમિતિના અધ્યક્ષ હાલ તો એક જ નામ સૌથી વધારે ચર્ચામાં ચાલી રહ્યું છે અને એ નામ છે પરેશ પટેલ. છેલ્લા અનેક વર્ષોથી સી આર પાટીલના પડછાયાની જેમ ચાલનારા પરેશ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. આમ પરેશ પટેલ હાલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હોટ ફેવરીટ છે. જોકે આ પદ પર સી.આર.પાટીલ કોના નામની મહોર મારે છે તે જરૂરથી જોવું રહ્યું.

(8:08 pm IST)