Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દરોડા દરમિયાન સાબરમતી જેલમાંથી ગાંજો તો લાજપોરમાંથી ફોન - પડીકી મળ્‍યા

ઓપરેશન જેલ : ૧૭૦૦ પોલીસ કર્મચારી જોડાયા : રાતભર કામગીરી : લાજપોર જેલમાં કેદીઓએ કરી તોડફોડ

નવી દિલ્‍હી તા. ૨૫ : સાબરમતી જેલમાંથી ગાંજો મળ્‍યો હોવાનું સામે આવ્‍યું છે. જેલમાં દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજો મળ્‍યો છે. અકરમ અબ્‍દુલ અઝીઝ શેખ પાસે ગાંજો ઝડપાયો છે. ગાંજાના લગભગ ૪૦ જેટલા પેકેટ મળી આવ્‍યા છે. દરોડા દરમિયાન નવી તરકીબનો પણ ખુલાસો થયો છે. સાથે જ જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હોવાનું પણ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

સુરતની લાજપોર જેલમાં પોલીસ અધિકારીઓએ સપાટો બોલાવ્‍યો છે. જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન, ગાંજા અને ચરસની પડીકીઓ મળી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરતા કેદીઓએ જેલમાં તોડફોડ શરૂ કરી હતી. કેટલીક બેરેકમાં તો કેદીઓએ ટ્‍યુબલાઈટ તોડી અને વાસણો ફેંક્‍યા હતા. ત્‍યાર બાદ પોલીસે વધુ ફોર્સ બોલાવી સવારે ૫ વાગ્‍યા સુધી કાર્યવાહી કરી હતી.

સૂત્રોનું માનીએ તો, જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હતા. કેદીઓ પાસેથી જેલકર્મીઓ ચાર્જ લેતા હતા. સાથે જ જેલમાં દરોડા દરમિયાન આખા ગુજરાતમાં જેલમાંથી મોબાઈલ પણ મળ્‍યા છે. રાજયમાં ૨૬ જેટલા મોબાઈલ મળ્‍યા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજયભરની ૧૭ મોટી જેલોમાં દરોડા પાડવામાં આવ્‍યા છે. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની DGP ઓફિસમાં મળેલી બેઠક બાદ રાજયભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્‍યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો જેલમાં પહોંચ્‍યો હતો અને દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ મહત્‍વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી હતી અને રાજયભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્‍યું હતું. રાજયની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(10:49 am IST)