Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સુરતના કતારગામમાં લગ્નમાં જમણવાર બગ ૫૦૦ લોકોને ફૂડ પોઇઝનિંગ : આરોગ્યતંત્રમાં દોડધામ

૪૬ લોકોને ખાનગી હોસ્પિટલમાં અને ૪૬ લોકોને ઘરે જ સારવાર ચાલુ

સુરત : રાજ્યમાં  હાલ લગ્નનો માહોલ જામ્યો છે ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. શહેરના કતારગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 500 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાંથી 92 લોકોને સારવાર આપવામાં આવી છે. જેમાથી 46 લોકોને વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 46 લોકોને ઘરમાં જ સારવાર અપાઇ રહી છે. હાલ તમામ લોકોની સ્થિતિ સામાન્ય છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કતારગામ ઘનશ્યામ પાર્કમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. નિત્યાનંદ ફાર્મમાં લગ્ન પ્રસંગ હતો જેમાં આશરે 1500 લોકોએ ભોજન લીધું હતું. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમામોની તબિયત બગડવા લાગી હતી. જેમા 500 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયુ હતું.

જમણવારમાં હતી રબડી
આ અંગે જે ઘરે લગ્ન પ્રસંગ હતો તેમના પરિવારના માલવિયા પરેશે માહિતી આપી હતી કે, અમારે 23 તારીખે સાંજના લગ્ન હતા. જેમાં અનેક લોકોને જમ્યા બાદ તબિયત બગડી હતી. લોકોને ઝાડા ઉલ્ટી અને તાવ આવતો હતો. કોઇને દવા લેવાથી સારું થઇ ગયુ તો કોઇને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કૃણાલભાઇના રાજ કેટરર્સ જમવાનો ઓર્ડર આપ્યો હતો. લગ્ન પ્રસંગમાં રબડી રાખવામાં આવી હતી, જેના કારણે આ થયુ હોય શકે છે.

(1:12 pm IST)