Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગાંધીનગરમાં સે-30 સર્કલ નજીક લીલોછમ લીમડો ધરાશાયી કરવામાં આવ્યો

ગાંધીનગર :  પાટનગરમાં વધી રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ એ માઝા મૂકી છે ત્યારે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. સેક્ટર-૩૦ સર્કલ પાસે અત્યાર સુધી ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે ત્યારે વધુ એક લીલાછમ લીમડાને ધરાશાયી કરવામાં આવ્યો છે. માર્ગ પહોળો કરવાની કામગીરી અંતર્ગત વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરમાં વિકાસની કામગીરી અંતર્ગત વૃક્ષો કાપી નાખવાની પ્રવૃતિ ફૂલીફાલી છે. પાટનગરમાં અનેક જગ્યાએ હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. માર્ગ પહોળો કરવા તો પાણીની પાઈપલાઈન નાખવા હજારો વૃક્ષોનો સફાયો કરવામાં આવ્યો છે. અને હજુ પણ શહેરમાં વૃક્ષછેદનની પ્રવૃતિ ચાલી રહી છે. જેને કારણે દુનિયાનું હરિયાળું પાટનગર ઉજ્જડ બનતું જાય છે. જેને વિપરીત અસર વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. પહેલા પાટનગરમાં ગરમીનું પ્રમાણ ઓછું રહેતું હતું જ્યારે રાજ્યમાં કેટલીક વાર સૌથી હોટેસ્ટ સિટી બની જાય છે. પરંતુ હજુ પણ પાટનગરમાં વૃક્ષછેદનની પ્રવૃતિ અટકતી નથી. અને દિન પ્રતિદિન વૃક્ષછેદન વધી રહ્યું છે તેની સામે કોઈ વનીકરણ પણ કરવામાં આવતું નથી. અને ગાંધીનગરની હરિયાળી ઘટતી જાય છે. જેને કારણે હરિયાળું પાટનગર પણ માત્ર કહેવા પુરતું જ રહ્યું છે.

પાટનગરમાં વધી રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ સતત વધતી જાય છે. માર્ગ પહોળો કરવાની તેમજ પાણીની પાઈપલાઈન નાખવા માટે  હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. ત્યારે આવી વિકાસની કામગીરી અંતર્ગત સેક્ટર-૩૦ સર્કલ પાસે અત્યાર સુધી ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે ત્યારે વધુ એક લીલાછમ ભવ્ય લીમડાને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે. શહેરમાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે જે અન્વયે ઘણા વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો છે. તો માર્ગ પહોળો કરવાની કામગીરી અંતર્ગત પણ હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે.

(5:30 pm IST)