Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

નિવૃત્ત બેંક અધિકારીના બેંક એકાઉન્ટમાથી ઓનલઇન ઠગાઈ : ૫.૩૦ લાખની ઉઠાંતરી

બેંક એકાઉન્ટમાં જોડાયેલ નબર કેન્સલ કરવાની ભૂલી જવું ભારે પડ્યું : વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા છ આરોપીની ધરપકડ

વલસાડ: આપના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલો નંબર આપે જો બંધ કરી દીધો હોય પરંતુ તેને બેન્કમાંથી કેન્સલ કરાવવાનું રહી ગયું હોય તો ચેતી જજો. તમારી આ નાનકડી ભૂલ તમને ખૂબ ભારે પડી શકે છે. આપની આ બેદરકારીને કારણે આપનું બેન્કનું એકાઉન્ટ પણ સાફ થઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લા માં બહાર આવ્યો છે. વલસાડ જિલ્લાની સાઇબર ક્રાઇમ પોલીસે એક નિવૃત કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ઠગાઈ કરી એકાઉન્ટમાંથી 5 લાખ 30 હજારથી વધુની રકમની ઉઠાંતરી કરનાર એક સાઇબર ઠગ ટોળકીને ઝડપી પાડી છે.

વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસે સુરત, ભાવનગર અને બોટાદથી આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ફરિયાદીના બેંકના એકાઉન્ટ સાથે નોંધાવેલો જૂના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી. પોલીસના હાથે ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ એક બીજાના સંબંધી છે. આરોપીઓએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો તે મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાંચ પોલીસને એક ફરિયાદ મળી હતી. જેમાં વલસાડના એક નિવૃત્ત કર્મચારીએ તેમની જાણ બહાર કોઈ ભેજાબાજે તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂપિયા પાંચ લાખ 30 હજારથી વધુ રકમની ઉઠાંતરી કરી લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નિવૃત કર્મચારી હોવાથી પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઇ આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી.

(7:36 pm IST)