Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વિનોદ વિરુદ્ધ પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

વિનોદ ડગરી સામે વધુ એક ફરિયાદ : : મહેમદાબાદ પોલીસે અમદાવાદ લઠ્ઠાકાંડના આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા

નડિયાદ,તા.૨૫ :  : અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડના કુખ્યાત વિનોદ ડગરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કુખ્યાત વિનોદ ડગરીએ પોતાના જ પરિવારની દીકરી સમાન પરિણિતાને વારંવાર હવસનો  શિકાર બનાવી હતી. તેના પતિને જાનથી મારી નાખવીની ધમકી આપીને વિનોદ ડગરીએ પોતાના ઘરમાં અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આખરે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં વિનોદ ડગરી વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વાંઠવાળી સીમ નાગરપુરમાં રહેતો વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઈ ચૌહાણે ગઈ ૨૩ મેની રાત્રીના અને તે પહેલાં પણ અગાઉ અનેકવાર પોતાના જ પરિવારની દીકરી સમાન પરિણિતા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. પરિણિતાનો આક્ષેપ છે કે, તે તેની સાસરીમાં રહે છે. વિનોદ ડગરીએ તેને કહ્યું હતું કે તું મારી સાથે રહેવા આવ, નહીં તો તારો પતિ જ્યાં નોકરીએ જાય છે ત્યાં તેને જાનથી મારી નાખીશ. આવી ધમકી આપીને તેને ડરાવી દમકાવીને પોતાના ઘરે બોલાવી હતી. બાદમાં તેની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણિતાની આ ફરિયાદ બાદ પોલીસે પણ વિનોદ ડગરીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વનું છે કે, ગઈ ફેબ્રુઆરી ૨૦૨૧ આ જ યુવતી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નડિયાદની સેશન્સ કોર્ટે વિનોદ ડગરીને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, વિનોદ ડગરીએ કેસ મામલે અપીલ કરી હોવાથી તે ઘરે રહેતો હતો. પરિણિતાના ત્રણેક મહિના પહેલાં લગ્ન થયા હતા અને પોતાના ઘરે આવી હતી. આ દરમિયાન વિનોદ ડગરીએ તેને ધમકાવીને દુષ્કર્મ ગુજાર્યો હતો.

લઠ્ઠાકાંડના કુખ્યાત વિનોદ ડગરીને ૨૦૦૯ અમદાવાદ લઠ્ઠાકાંડ પ્રકરણમાં ૨૦૧૯માં ૧૦ વર્ષની સખત કેદની સજા થઈ હતી. આ દરમિયાન તે પેરોલ પર છૂટીને ઘરે આવ્યો હતો. આ સમયે તેણે પરિવારની દીકરી સમાન એક સગીરા પર તાંત્રિક વિધિના બહાને અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ વાતની જાણ સગીરાના ભાઈને થતા માતાને કરી હતી. જો કે, માતાએ વિનોદ ડગરીનો વિરોધ ન કરતા સગીરાના ભાઈએ માતાની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ જે તે વખતે પોલીસ સ્ટેશનમાં થઈ હતી.

(8:19 pm IST)