Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વડોદરામાં રખડતાં ઢોર મુદ્દે મેયરને ફરી ટકોર કરીશ: એવું કામ ફરી કરવા સૂચના આપીશ:સી. આર. પાટીલ

મેયર દ્વારા અગાઉ રખડતાં ઢોર મામલે યોગ્ય નિર્ણય લઈ લોકો માટે રાહતરૂપ કાર્ય કરાયું હતુ. જે પ્રકારની કામગીરી ફરી કરવામાં આવે તેવી મેયરને ટકોર કરાશે

વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં રખડતાં ઢોરના ત્રાસે માઝા મૂકી છે. વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાય સમયથી ખૂબ વકરી રહ્યો છે. શહેરની એક પણ શેરી-રસ્તા એવા નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! આવી સ્થિતિ વચ્ચે માત્ર ત્રણ જ દિવસમાં ત્રણ શહેરીજનો ઢોરની ઢીંકે ચડયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે. વડોદરા ખાતે તેમણે જણાવ્યુ કે રખડતાં ઢોર મામલે વડોદરના મેયરને ફરી ટકોર કરી યોગ્ય કામગીરી અંગે સૂચન કરવામાં આવશે. આ અગાઉ વડોદરામાં ઢોરનો ત્રાસ વધ્યો હતો. જે દરમિયાન મેયર દ્વારા રખડતાં ઢોર મામલે યોગ્ય નિર્ણય લઈ લોકો માટે રાહતરૂપ કાર્ય કરાયું હતુ. જે પ્રકારની કામગીરી ફરી કરવામાં આવે તેવી મેયરને ટકોર કરવામાં આવશે.
રખડતાં ઢોરના કાયદા અંગેની બાબતમાં સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે તાજેતરમાં બનાવાયેલા પશુ નિયંત્રણ બીલની અમુક મર્યાદાઓ રહેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ગામડામાં ગાય રાખવા અંગે લાઇસન્સ સહિતના નિયમમાં ફેર વિચારણા જરૂરી હોવાથી મુખ્યમંત્રીને ફેર વિચારણા કરવા અંગે સૂચન કરાયું છે અને મુખ્યમંત્રી દ્વારા પણ યોગ્ય નિર્ણયની ખાતરી અપવાં આવી છે. જરૂરી સુધારા-વધારા બાદ બિલની અમલવારી હાથ ધરાશે તેમ સી. આર. પાટીલે જણાવ્યુ હતું. 

(8:57 pm IST)