Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નડિયાદમાં ભાજપ દ્વારા બૃહદ બેઠકનું આયોજન

ખેડા અને આણંદ જિલ્લાના ચૂંટાયેલા તથા સંગઠનના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

અમદાવાદ :આગામી 29 મે રવિવારના રોજ  ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ હેલીપેડ મેદાનમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો એક જાહેર કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શાહના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે રૂપિયા 23454.08 લાખના ખર્ચે બનેલ અને 19 રહેણાંક અને 29 બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીયગૃહ મંત્રી શાહના વરદ હસ્તે યોજાશે.

આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નડિયાદના ઇપ્કોવાળા હોલમાં ખેડા-આણંદ જિલ્લા ભાજપ દ્વારા બૃહદ બેઠકનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બંને જિલ્લાના ચૂંટાયેલા તથા સંગઠનના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ઉપરાંત રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. 29 મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ ના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. આ ઉપરાંત એ જ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે.

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહેશે.

(12:58 am IST)