Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીના કોર્પોરેટરોએ AIMIMને વિપક્ષનું સ્થાન આપવા રજૂઆત કરી

શહેર પ્રમુખ સમસાદ પઠાણે પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરોને સાથે રાખીને મેયરને આવેદન પત્ર આપ્યુ

અમદાવાદ :સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા મેળવવામાં ભાજપને ખૂબ મોટી સફળતા મળી છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર 24 બેઠક મળી છે અને અમદાવાદમાં 7 બેઠકો પર AIMIMના ઉમેદવાર ચુંટાઇ આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. તેવામાં હવે AIMIMના શહેર પ્રમુખ સમસાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરોને સાથે રાખીને મેયર કિરીટ પટેલને આવેદન પત્ર આપ્યુ હતું અને આ આવેદનપત્રમાં AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી હતી.

સમસાદ પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ચાર મહિના થઈ ગયા છે. સત્તાપક્ષ પોતાની સત્તા પર છે પરંતુ વિરોધ પક્ષના નેતા હજુ કોઈ બનાવવામાં આવ્યા નથી. લોકશાહીમાં વિરોધ પક્ષ પ્રજાનો મજબૂત અવાજ હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ મજબૂત નથી. વિરોધ પક્ષ તરીકે જવાબદારી કોંગ્રેસના 24 કોર્પોરેટરની છે પરંતુ તેઓ આ જવાબદારી નિભાવતા નથી એટલે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે AIMIM અમારી પાર્ટીના જમાલપુરના કોર્પોરેટર મોહમ્મદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે મેયરને રજૂઆત કરી છે.

તેમણે એવું જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કે કોર્પોરેટર પક્ષથી નારાજ હોય તો તેઓ AIMIMમાં જોડાઈ શકે છે. અમે મજબૂત વિપક્ષ બનીને પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું. મહત્ત્વની વાત છે કે અમદાવાદમાં AIMIM સૌ પ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને AIMIMએ 6 વોર્ડમાંથી 21 ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા અને તેમાંથી 7 બેઠકો પર AIMIMના ઉમેદવારોનો વિજય થયો છે.

(9:47 pm IST)