Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વીર નર્મદ યુનિવર્સિટી સુરતના પ્રોફેસર ડો. પરેશ જોષીને 'વેદાંત એકસેલન્સ એવોર્ડ' એનાયત

રાજકોટ તા. ૨૫ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડો. પરેશ જોષીને 'વેદાંત ઇન્ટરનેશનલ એજયુકેટર એકસેલન્સ એવોર્ડ' એનાયત થતા ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે વેદાંત ફાઉન્ડેશન એ શિક્ષણ જગત સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. ઓનલાઇન આંતરરાષ્ટ્રીય સેમીનાર દરમિયાન આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રોફેસર નવિન શેઠ (કુલપતિશ્રી જીટીયુ ગાંધીનગર), પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ (કુલપતિશ્રી એસજીજીયુ ગોધરા), પ્રો. ચેતન ત્રિવેદી (કુલપતિશ્રી બીકેએનએમયુ જુનાગઢ), ડો. વી. ઇવાંજલીયા (ગ્રીસ), ડો. સી. એન. મેંડોઝ (ફિલિપિન્સ) તથા વિશ્વના અન્ય રાષ્ટ્રના મહાનુભાવો ઉપસ્થિત રહેલ. ડો. પરેશ જોશી અંગ્રેજી વિભાગમાં છેલ્લા ચાર વર્ષથી પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. આ પહેલા રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે સેવારત હતા. તેઓ છેલ્લા બે દાયકાથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં શિક્ષણ અને વહીવટના કાર્યોમાં તેઓ સક્રીય સેવા આપતા રહ્યા છ. અંગ્રેજી સાહિત્ય અને ભાષાશાસ્ત્રના વિદ્વાન છે. અંગ્રેજી સાહિત્ય, ભાષાવિજ્ઞાન, ધ્વનિશાસ્ત્ર, લોકસાહિત્ય અને ઇએલટી જેવા ક્ષેત્રોમાં એમનું બહુમુલ્ય પ્રદાન રહ્યુ છે. ૧૦૦ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં આમંત્રિત વકતા તરીકે સેવા આપી ચુકયા છે. નેકમાં કવોલીટી એસેસર તરીકે પણ સેવા આપી ચુકયા છે.

(3:27 pm IST)