Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઇજનેરી-ફામર્સ અભ્યાસમાં પ્રવેશ માટે ગુજકેટનું ૭૦% વેઇટેજ રાખો

ગુજકેટનું ૪૦ ટકાથી વધારવા સંચાલક મંડળની રજુઆત

રાજકોટ, તા. રપ : ગુજરાત રાજયના ઇજનેરી -ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટનું ૪૦ ટકા વેઇટેજને બદલે ૭૦ ટકા રાખવા સંચાલક મંડળે રજુઆત કરી છે. રાજયની ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટની શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સંચાલક મંડળ દ્વારા આ વખતે ગુજકેટના આધરે પ્રવેશ ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે. જો ગુજકેટનું ૧૦૦ ટકા વેઇટેજ રાખવું શકય ન હોય તો આ વર્ષ પુરતૂ ગુજકેટનું ૭૦ ટકા અને ધો.૧ર નું વેઇસટેજ ૩૦ ટકા રાખી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવે તો હોશિયાર વિદ્યાર્થીઓને નુકશાન થવાની શકયતા ઓછી થશે તેવું સંચાલકોનું માનવું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો. ૧ર સાયન્સમાં ગુજરાત સરકાર દ્વારા આ વખતે પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને ધો. ૧૦, ધો.૧૧ અને ધો. ૧રની પરીક્ષાના ગુણ આધારે માર્કશીટ આપવાનો નિર્ણય લીધો છે. પરિણામને લઇ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ગદર્શીકા પણ જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ દ્વારા તે મુજબ વિદ્યાર્થીઓને ગુણ આપવાની કામગીરી પણ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જુલાઇના મધ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર સાયન્સનું પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે.

(4:15 pm IST)