Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સુરતમાં પાલનપુરના યુવકને ફેસબુક પરથી ઓક્સિજન મશીન ખરીદવું ભારે પડ્યું:એક લાખ ગુમાવવાની નોબત આવી

સુરત:સોશ્યિલ મિડીયા પર જાહેરાત વાંચી ઓક્સિજન મશીન ખરીદવા જતા પાલનપુરના યુવાને 1 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

પાલનપુર જકાતનાકા સ્થિત શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ધવલ રમણ પટેલે (ઉ.વ. 33) ગત તા. 1 મે ના રોજ ફેસબુક પર ઓક્સિજન મશીન વેચવાની જાહેરાત જોઇ મેસેજ કર્યો હતો. જાહેરાત મુકનારે પોતાના નામ રાહુલ દેસાઇ અને તેના વ્હોટ્સઅપ નં. 9359091658 પરથી ઓક્સિજન મશીનના ફોટા મોકલાવ્યા હતા અને એક મશીનના રૂ. 45 હજાર ભાવ નક્કી કરી ધવલે 10 મશીન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ધવલે પ્રથમ બે મશીનની ડિલીવરી મળી જાય ત્યાર બાદ બીજા 8 મશીનનો ઓર્ડર આપશે એમ કહ્યું હતું. રાહુલ દેસાઇ નામના ભેજાબાજે 10 મશીનના રૂ. 4.50 લાખના પેમેન્ટ સામે રૂ. 1 લાખ એડવાન્સ આપવા પડશે એમ કહી ટેક્સ ઇનવોઇસનો ફોટો મોકલાવ્યો હતો.

જેમાં મહારાષ્ટ્ર-મુંબઇના વિદ્યાદાની સીએચએસ બિલ્ડીંગનું એડ્રેસ હતું અને તેમાં કોટક મેહિન્દ્રા બેંકનો એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ હોવાથી ધવલે ગુગલ પેથી રૂ. 50 હજાર અને બંટી નામની વ્યક્તિના પેટીએમ એકાઉન્ટમાં રૂ. 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા પેમેન્ટ મળતા રાહુલે બે દિવસમાં મશીનની ડિલીવરી મળી જશે એમ કહી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર રાહુલ દેસાઇ વિરૂધ્ધ ધવલે રાંદેર પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે. 

 

(6:04 pm IST)