Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજ માટે રૂ. ૪૧ કરોડની રકમ મંજૂર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં અત્યાર સુધી રાજ્યની ૭ નગરપાલિકાઓમાં ફલાય ઓવર માટે રૂ. ર૮૯.પ૦ કરોડ મંજૂર : મહાનગરોમાં ર૯ ફલાય ઓવર માટે રૂ. ૧૪૮પ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર થયા

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટેની રૂ. ૪૧ કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે.
રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર, રેલ્વે ઓવરબ્રીજ, અંડરબ્રીજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અપનાવેલો છે
તદઅનુસાર, મુખ્યમંત્રીએ ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે રૂ. ૪૧ કરોડ મંજૂર કર્યા છે. આ ફલાય ઓવર ૧પ૩૦ મીટર લંબાઇ અને ૮.૪૦ મીટર પહોળાઇ ધરાવતો ફલાય ઓવર બનશે.
ભરૂચ નગરમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના ૭ નગરોમાં આવા ફલાય ઓવર માટે રૂ. ર૮૯.પ૦ કરોડની રકમ મંજૂર કરેલી છે.
આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓમાં ર૯ ફલાય ઓવરબ્રીજ રૂ. ૧૪૮પ કરોડના ખર્ચે મંજૂર કરેલા છે. 

(6:58 pm IST)