Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લાંચમાં પકડાયેલા પોલીસમેને પુરાવાનો કરવા ચલણી નોટો મોઢામાં નાખી ચાવી ગયો, એસીબીએ આરોપીની લાળનો ડીએનએ કરાવી મજબુત પુરાવો મેળવ્યો

ગુજરાત એસીબી ઇતિહાસનો અજોડ કિસ્સો : રાજયભરમાં ચર્ચાસ્પદ બનવા સાથે 'લાંિંચયા'ઓમાં ભયનું લખલખુ પ્રસરાવી દીધું છે : ભુજના વાયોર પોલીસ મથકના મયુરસિંહ સોઢાને એસીબી ટ્રેપની ગંધ આવી જતા અનોખો કીમીયો અજમાવેલઃ એસીબીએ મહામુસીબતે મ્હોંમાંથી કઢાવેલી નોટોનો અદ્રશ્ય પાવડર નાશ પામતા સીબીઆઇનું બેક ગ્રાઉન્ડ ધરાવતા કેશવકુમાર સાથે ચર્ચા બાદ મહત્વનું કદમ ઉઠાવનાર મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ અકિલા સમક્ષ વર્ણવે છે અભુતપુર્વ પ્રયોગની રસપ્રદ કથા

રાજકોટ, તા., ૨૫: ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ઇતિહાસનો એક અજોડ અને રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. (પશ્ચિમ-કચ્છ-ભુજ) હસ્તકના વાયોર  પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલને  લાંચની રકમ સ્વીકાર્યા બાદ એસીબી ટ્રેપની  ગંધ આવી જતા એસીબીના અદ્રશ્ય પાવડરવાળી નોટોનો નાશ કરવા માટે તે નોટો ચાવી જવાના ચકચારી મામલામાં સીબીઆઇનું બેક ગ્રાઉન્ડ ધરાવતા એસીબી વડા કેશવકુમાર દ્વારા આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવી ચવાઇ ગયેલી નોટો પર તેની જ લાળ હોવાનું પુરવાર કરતો સબળ પુરાવો  મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં બોર્ડર રેન્જ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે જણાવેલ કે ચાલુ વર્ષના જુલઇા માસની ૨૧મી તારીખે વાયોર  પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ સોઢા સામે દારૂની ભઠ્ઠીનો કેસ નહિ કરવા  માટે રૂ. ૪૦૦૦ની લાંચની માંગણીના આરોપસરની ફરીયાદ મળી હતી.

એસીબી દ્વારા આ મામલે છટકુ ગોઠવવામાં આવેલ. પોલીસમેન મયુરસિંહને એસીબી ટ્રેપ હોવાની ગંધ આવી જતા લાંચની રકમ તેણે મોઢામાં નાખી ચાવવાનો પ્રયાસ કર્યો. તેના મોઢામાંથી નોટો મહામુસીબતે અર્ધચાવેલી પરત મેળવી પરંતુ એસીબીની પધ્ધતી મુજબ ફરીયાદીને અપાતી ફીનોપલ પાવડર (અદ્રશ્ય પાવડર)નો નાશ થઇ ગયો હતો.

ઉકત બાબતે એસીબી વડા કેશવકુમાર સાથે ચર્ચા કરી આરોપી પોલીસમેનની લાળનો એફએસએલમાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવતા ડીએનએ ટેસ્ટ દરમિયાન અદ્રશ્ય પાવડર ચાવેલી લાળ મજકુર પોલીસ કોન્સ્ટેબલની હોવાનું બહાર સાથે સબળ પુરાવો મળી આવ્યો હતો. આમ આ રસપ્રદ અને નવતર પ્રકારની ઘટનાએ સમગ્ર રાજયમાં ભારે ચર્ચા જગાવી છે.

સમગ્ર મામલાની તપાસ બોર્ડર રેન્જ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શન હેઠળ ભુજ એસીબીના પીઆઇ પી.કે.પટેલ દ્વારા ચલાવાઇ રહી છે.

(12:56 pm IST)