Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલની ડીઝાઇનમાં ખામીઃ વિધાનસભામાં રજૂ થયેલ કેગના રિપોર્ટમાં ટિપ્‍પણી

ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના અંતિમ દિવસે કેગ (CAG) નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના રિપોર્ટમાં ગુજરાત અંગે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. CAG ના અહેવાલમાં રાજ્યની નાણાકીય પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. જમાં MTFPS ની જોગવાઈ અને 14માં નાણાં પંચ ના અહેવાલ 2018-19 ના લક્ષ્યાંક કરતા ઓછી બતાવાઈ છે. મહેસુલી પુરાતનમાં 2020 કરોડનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે. રાજ્યની કર આવક 2018-19 માં 8553.33 કરોડ વધી છે. તો બિન કર આવકમાં 1656.98 કરોડનો ઘટાડો નોંધાયો છ. 14 માં નાણાંપંચ ના 1,28,483 કરોડના અનુમાન કરતા 48,380 કરોડ ઓછી રહી છે.

સરકારી આર્યુવેદિક ફાર્મસી પર ટિપ્પણી

તો સાથે જ વડોદરા સરકારી આયુર્વેદિક ફાર્મસીની બેદરકારીની કેગમાં નોંધ લેવાઈ છે. જાન્યુઆરી 2016 માં FDCA નું લાઇસન્સ પૂર્ણ થયું હતું, જે નિવૃત્ત કર્મચારીઓના નામના આધારે 2021 સુધી રિન્યુ કરવામા આવ્યું હતું. દવાઓના ઉત્પાદન તેમજ ગુણવત્તા પરીક્ષણ માટે કાર્ય કરતા બતાવવામાં આવ્યા ટેક્નિકલ સ્ટાફની પણ ગેરહાજરી જોવા મળી તેવુ રિપોર્ટમાં કહેવાયું છે. સાથે જ ગુણવત્તાનું સપ્ટેમ્બર 2014 થી નવેમ્બર 2019 સુધી સમયગાળામાં પરીક્ષણ ન થયું. આજ સમય દરમિયાન 4.36 કરોડ ની કિંમતના ઔષધ વિવિધ હોસ્પિટલ ગુણવત્તા પરીક્ષણ વગર જ પુરા પડાયા. કાચના પાત્રો અને રસાયણના અભાવે ગુણવત્તા પરીક્ષણ ન થઈ શક્યું.

અમદાવાદની હોસ્પિટલમાં ખામી

અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલની ડિઝાઈનમાં ખામી હોવાનું કેગ દ્વારા અવલોકન કરાયું છે. કેગના રિપોર્ટ અનુસાર, HVAC સિસ્ટમ માટે ખાંચા પાડવામાં આવ્યા છે, જેના કારણે બીમમાં તિરાડો પડી હતી. જેની પાછળ 30.62 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો ડિઝાઈનમાં ધ્યાન રખાયું હોત તો આ વધારાનો ખર્ચ ન કરવો પડ્યો હોત તેવું રિપોર્ટમા ઉલ્લેખ કર્યો છે.

વડનગરની GMERS ની નવી બિલ્ડીંગની ડિઝાઈનમાં પણ ખામીના કારણે 1.17 કરોડનો વધુ ખર્ચ થયો તેવું કેગના રિપોર્ટમાં કહેવાયું છે. ખાયુક્ત ડિઝાઈન માટે પરામર્શકારની ભૂમિકા તપાસવી જોઇએ તેવી કેગ દ્વારા ટિપ્પણી કરાઈ.

(5:12 pm IST)