Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કૃષિ લક્ષી’ અને ‘કૃષક લક્ષી’ કલ્યાણના નવા આયામો સર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ: રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

કૃષિક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

અમદાવાદ :રાજ્ય સહકાર મંત્રી  ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે, કૃષિ લક્ષીઅને કૃષક લક્ષીકલ્યાણના નવા આયામો સર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-૨૦૨૦થી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૨માં ખેડૂતની આવક બમણી કરવાનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર ખેડૂતની આર્થિક વૃદ્ધિના વધારા માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના હિતોની દિશામાં આ સુધારા વિધેયક એક નક્કર પગલું પૂરવાર થશે.

 મંત્રીએ કહ્યું કે, ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે, ખેડૂતને તેના પરસેવાનું યોગ્ય વળતર મળે તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજયમાં ૨૨૪ બજાર સમિતિઓ કાર્યરત છે. આ બજાર સમિતિઓ ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાંના સિધ્ધાંત પર કાર્ય કરે છે. ખેડૂતો તેઓના ખેત ઉત્પાદનને પારદર્શી રીતે વેચી શકે અને તે માટેની તમામ માળખાગત સુવિધાઓ બજાર સમિતિમાં કિસાન કલ્પવૃક્ષ યોજના જેવી અન્ય યોજનાઓ થકી પૂરી પાડવામાં આવે છે.

  મંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ખેત ઉત્પાદનના વેચાણ માટે ગણા બધા વિકલ્પો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ-૧૯૬૩માં ૨૦૦૭માં સુધારા કરવામાં આવ્યા, જેમાં ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધી ખરીદી બજાર, ખેડૂત-ગ્રાહક બજારોનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૫ના સુધારાથી બજાર સમિતિના સંચાલન વિષયક સુધારા કરવામાં આવ્યા જેમાં ‘ખેડૂત’ જ બજાર સમિતિનો ચેરમેન બની શકે તે પ્રકારના સુધારા કરવામાં આવ્યા. ૨૦૧૭માં બજાર સમિતિઓ ક્લીનીંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ, બ્રાન્ડિંગ કરી શકે, કોન્ટ્રાકટ ફાર્મિંગ કરી શકે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી. આ સુધારા વિધેયકમાં ખેડૂત વિકાસની પ્રક્રિયાને આગળ વધારી ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મની વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે તથા આ પ્લેટફોર્મ સાથે કોઈ પણ ખાનગી વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, સાઈલોના માલિક તેને માર્કેટ સબયાર્ડ તરીકે જાહેર કરી જોડાઈ શકશે. આમ, આ પ્રકારના સુધારાથી ખેડૂતો માટે અનેકવિધ વિકલ્પો ઉભા થશે. નવા ખરીદ-વેચાણ કેન્દ્રોની વ્યવસ્થા ઊભી થશે. એક દીર્ધ દ્રષ્ટિથી જોઈએ તો જયારે ખેડૂતો પાસે વધારે વિકલ્પો હોય ત્યારે ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળશે. બહુઆયામી રીતે ખેડૂતના કલ્યાણ અર્થે કાર્ય થશે.  

 મંત્રીએ કહ્યું કે, ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-૨૦૨૦માં આદિજાતી વિસ્તારોમાં કાર્યરત એવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા સંચાલિત એવા હાટ બજારોને તેઓની સામે પરામર્શ કરી બજાર સમિતિના નિયંત્રણ હેઠળ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા વિધેયકની ક્લોઝ ચારમાં હાલના કાયદાની કલમ-૫(૩)માં ઉમેરો કરીને આદિજાતી વિસ્તારના ખેડૂતોને ખેત ઉત્પાદનનું વેચાણ કરવા દુર ન જવુ પડે તે માટે હાટ બજારોને વિકસીત કરી, સ્થાનિકકક્ષાએ ખેત ઉત્પાદનનું વેચાણ કરી શકે તેવી જોગવાઈથી આદિજાતી વિસ્તારના ખેડૂતો લાભાન્વિત થશે. આ વિધેયકના ૧૦માં ક્લોઝમાં હાલના કાયદામાં નવી કલમ-૫(ક) ઉમેરીને સમગ્ર રાજયને એક બજાર જાહેર કરી, વેપારીઓને સિંગલ યુનિફાઈડ લાઈસન્સ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂત સમગ્ર ગુજરાતમાં કોઈપણ બજાર સમિતિમાં ખેત ઉત્પાદન વેચી શકતો હતો. હવે સિંગલ યુનિફાઈડ લાઈસન્સની જોગવાઈથી ગુજરાતનો વેપારી એક જ લાઈસન્સથી સમગ્ર ગુજરાતની કોઈપણ બજાર સમિતિ, મુખ્યયાર્ડ, સબયાર્ડ, પ્રાઈવેટ માર્કેટ્યાર્ડમાં વેપાર કરી શકશે. આ જોગવાઈથી ખેડૂતો પાસે પોતાના ખેત ઉત્પન્નનું, વેચાણ કરવાના વિકલ્પો વધશે.

 ગુજરાતનો ખેડુત સમગ્ર રાજ્યમાં ગમે ત્યાં ખેત ઉત્પાદનનું વેચાણ કરી શકે છે તેવી જ રીતે ગુજરાતનો વેપારી સમગ્ર રાજ્યમાં ગમે ત્યાં વેપાર કરી શકશે. ખેડૂતોના ખેત ઉત્પાદન ખરીદવાની સ્પર્ધા વધશે. જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. પરિણામ સ્વરૂપ તેની સીધી હકારાત્મક અસર ગુજરાતની કૃષિના વિકાસ પર થશે. આમ, હાલની પરિસ્થિતિમાં બજાર સમિતિએ લાયસન્સ આપેલા વેપારીઓ જ હરાજીમાં હાલ ભાગ લેતા હતા પરંતુ હવે યુનિફાઈડ લાયસન્સધારક વેપારી તમામ બજારોમાં વેપારની છુટ મળતા મોટાભાગના વેપારીઓ, વેપારી પેઢીઓ હરાજીમાં ભાગ લેવાનું ચાલુ કરશે. ગુજરાતનું પ્રાથમિક ક્ષેત્ર મજબુત થતા ગુજરાતનું અર્થતંત્ર મજબુત બનશે. આ વિધેયકના ક્લોઝ સાતમાં હાલના કાયદામાં નવી કલમ-૭(ક)(ક) ઉમેરીને માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બજાર સમિતિમાં વેચાણ અર્થે આવતા કુલ ખેત ઉત્પાદન પૈકી ૩૦ ટકા ખેત ઉત્પાદન ગુજરાત સિવાયના ઓછામાં ઓછા બે રાજ્યોમાંથી આવતું હોય તો તે બજાર સમિતિને “એમ.એન.આઈ” એટલે કે માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કરી શકાશે. જેનાથી બજાર સમિતિ રાષ્ટ્રીયક્ષેત્રે પોતાની હાજરી નોંધાવી શકશે. અન્ય રાજ્યો સાથેની તેની વ્યાપારિક સહભાગીદારીતામાં પણ વધારો થશે.

મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે, સુયોગ્ય સમાધાન તરફ આગળ વધી શકે તે માટે બજાર સમિતિઓમાં ખેડૂત પ્રતિનિધિત્વ વધારવા હાલના કાયદાની કલમ-૧૧(૧) માં સુધારો કરીને ખેડુત પ્રતિનિધિઓની સંખ્યા જે ૮ ની છે તેના બદલે ૧૦ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા વિધેયકના ક્લોઝ તેરમાં હાલના કાયદાની કલમ-૨૮માં ફેરફાર કરીને બજાર સમિતિઓ પોતાના યાર્ડ, સબયાર્ડમાં જ થતાં વેપાર પર સેસ લઇ શકશે તેવી જોગવાઈ કરી છે તથા હાલના કાયદામાં નવી કલમ-૩૧(ZB)(૨) ઉમેરીને બજાર સમિતિઓનું નિયંત્રણ મુખ્યયાર્ડ અને સબયાર્ડ પૂરતું મર્યાદિત કર્યુ છે. વેપારીઓ સમગ્ર રાજ્યના યાર્ડ અને સબયાર્ડમાં વેપાર કરી શકે તે માટે યુનિફાઇડ લાઈસન્સ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

  મંત્રીએ ઉમેર્યું કે આ વિધેયકના ક્લોઝ સાતમાં હાલના કાયદામાં નવી કલમ-૭(ક) ઉમેરીને ખાનગી વ્યક્તિ સંચાલિત વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, સાયલોને માર્કેટ સબયાર્ડ તરીકે જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બજાર સમિતિની સંગ્રહક્ષમતામાં વધારો થાય તે માટે રાજય સરકારે આ વર્ષે બજાર સમિતિઓમાં ૫૦૦૦ મેટ્રીક ટનના ગોડાઉન સ્થાપવાની રૂ।.૧૦૦ કરોડની નવી યોજના પણ શરૂ કરી છે.

 આ વિધેયકના ક્લોઝ સોળમાં હાલના કાયદામાં નવી કલમ-૩૦(ક) ઉમેરવામાં આવી છે. જે અંતર્ગત બજાર સમિતિ દ્વારા અધિકૃત થયેલ અધિકારીને બજાર સમિતિના મુખ્ય યાર્ડ કે સબ યાર્ડમાં થયેલ દબાણોને દુર કરવાની સત્તા મળશે તથા દબાણ દુર કરવાનો સંપૂર્ણ ખર્ચ દબાણકર્તાએ ચૂકવવાનો રહેશે. તદુપરાંત આ વિધેયકના ક્લોઝ બાવીસમાં હાલના કાયદામાં નવી કલમ-૪૯(ક) ઉમેરીને એવી જોગવાઈ કરવામાં આવી છે કે બજાર સમિતિઓએ લોન લેતા પહેલા તથા મિલકત ખરીદી અને વેચાણ માટે નિયામકની પૂર્વ મંજુરી લેવી આવશ્યક રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

 મંત્રીએ કહ્યું કે, લોકશાહીમાં ‘પ્રતિનિધિત્વ’એ અગત્યની બાબત છે. જયારે નવા પ્રતિનિધિઓને બજાર સમિતિમાં સ્થાન મળે અને તેમની નેતૃત્વશક્તિઓનો સીધો ફાયદો બજાર સમિતિને મળે તે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ, બજાર સમિતિમાં સતત બે થી વધુ મુદ્દત માટે ચેરમેન કે વાઈસ ચેરમેન તરીકે રહી શકશે નહી તેવી જોગવાઈ આ સુધારા વિધેયકનાં ક્લોઝ નવમાં હાલના કાયદાની કલમ-૧૧માં નવી કલમ-૪(ક)નો ઉમેરો કરાયો છે.

 મંત્રીએ કહ્યું કે, આ સુધારા વિધેયકના ક્લોઝ સતરમાં હાલના કાયદામાં નવી કલમ-૩૧(S) થી ૩૧(ZA)માં ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મની જોગવાઈ કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય સરકાર અથવા રાજય સરકારની એજન્સી ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મની રચના કરી તે પ્લેટફોર્મ ચલાવશે. જે હેઠળના લાયસન્સ આપવાની કામગીરી પણ કરવામાં આવશે, આ જોગવાઈથી ખાનગી માર્કેટયાર્ડ, વેર હાઉસ, સાઈલો, કોલ્ડ સ્ટોરેજને પણ ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. આ પ્રકારના પ્લેટફોર્મથી પારદર્શિતા વધશે અને ખેડૂતોને તેઓના ખેત ઉત્પાદનનો સાચો ભાવ મળશે. ઉપરાંત આ સુધારા વિધેયકમાં ક્લોઝ અઢારમાં હાલના કાયદાની કલમ-૩૪(M) બદલીને ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડને પણ વધુ સક્ષમ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. તે અંતર્ગત રાજયની બજાર સમિતિઓની સાથે સાથે ખાનગી માર્કેટ યાર્ડ પણ માર્કેટિંગ બોર્ડ કે રાજય સરકાર ઠરાવે તે રીતે ૨ ટકાની મર્યાદામાં બોર્ડના “વિકાસ ફંડ”માં ફાળો આપવાનો રહેશે. ખાનગી માર્કેટ યાર્ડ પોતાની આવકનો ઠરાવવામાં આવે તે રીતે ૨ ટકાથી વધુ નહી તેટલો ફાળો આપશે. ખાનગી માર્કેટ યાર્ડ આપેલ ફાળાની રકમમાંથી સંબંધિત સ્થાનિક બજાર સમિતિને ૮૦ ટકા રકમ આપવામાં આવશે અને ૨૦ ટકા રકમ બોર્ડને મળશે. જે વિસ્તારમાં સ્થાનિક બજાર સમિતિ અને ખાનગી માર્કેટ યાર્ડ હશે તે વિસ્તાર ખેડૂતોને તેઓની ખેત પેદાશના વેચાણ અર્થે એક કરતા વધારે વિકલ્પ પ્રાપ્ત થશે જેના થકી તેઓને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળશે અને બજાર સમિતિનું હિત પણ જળવાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુધારા વિધેયકથી ૨૮ જેટલી વ્યાખ્યામાં ફેરફાર અથવા ઉમેરો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતની વ્યાખ્યાને વધુ વ્યાપક અને વિસ્તૃત બનાવવામાં આવી છે, ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીની વ્યાખ્યા ઉમેરવામાં આવી છે, આ ઉપરાંત ઈલેક્ટ્રોનીક ટ્રેડિંગ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી નવી વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. જેથી કાયદાને વધુ સ્પષ્ટ બનાવી શકાય. આ વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયું  હતું

(7:27 pm IST)