Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં એકધારો ઘટાડો : 35 દૂર કરાયા : 7 ઉમેરાયા

સેટેલાઇટ, શેલા, સાયન્સ સિટી રોડ તથા ગુરુકુળ રોડ વિસ્તારોનો નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1408 હતો. તેની સામે આજે 1442 કેસો નોંધાયા છે.ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા વધી છે અમદાવાદમાં ગુરુવારે નોંધાયેલા કેસો કરતાં આજે ચાર કેસો વધીને 160 કોરોનાના કેસો નોંધાયા છે. આમ ગુજરાત સહીત અમદાવાદમાં પણ કેસોનો વધારો નોંધાયો છે. જો કે અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં એકદમ ઘટાડો થયો છે. શુક્રવારે માત્ર સાત નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 35 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. આમ અમદાવાદ શહેરમાંથી દૂર કરાયેલાં માઇક્રો કન્ટેન્મેન્ટની સરખામણીમાં નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ખાસ્સો ઘટાડો થયો છે.

અમદાવાદમાં  સેટેલાઇટ, શેલા, સાયન્સ સિટી રોડ તથા ગુરુકુળ રોડ વિસ્તારોનો નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ થાય છે. આજે ઉત્તર તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2-2 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 263 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 35 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 263 વિસ્તારોમાંથી 35 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 228 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 235 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 1 અને ઉત્તર પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2-2 વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં સેટેલાઇટ, શેલા, સાયન્સ સિટી રોડ, ગુરુકુળ રોડ વિસ્તારોનો સમાવેશ થયો છે. જયારે ઠક્કર બાપાનગર, પાલડી, વિરાટનગર વિસ્તારો પણ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં ઉમેરાયા છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે 26 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(11:11 pm IST)