Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

૨૦૨૧માં ગુજરાતની ૧૪ કંપનીઓના શેર્સમાં રોકાણકારો માલામાલઃ ભાવ ૧૦૦% થી વધ્યા

૭ કંપનીઓએ તો પોતાના શેર ધારકોને ૨૦૦ ટકા કરતાં પણ વધુ રિટર્ન આપ્યું છેઃ જેમાં રિયલ્ટી ક્ષેત્રની કંપની મોખરે છે

અમદાવાદ,તા.૨૫: ગઇ કાલે BSE સેન્સેકસ ૬૦૦૦૦ પોઈન્ટથી પાર થતાં ભારતીય શેર બજાર માટે ઐતિહાસિક દિવસ રહ્યો હતો.શેર બજારમાં જોવા મળી રહેલા આ વધારા સાથે બેન્ચમાર્ક ઇકિવટી ઇન્ડેકસમાં પણ સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો હતો. જેમાં ગુજરાતની પણ કેટલીક કંપનીઓ છે જે માર્કેટમાં લિસ્ટેડ છે અને તેના શેરના ભાવમાં આ કેલેન્ડર વર્ષમાં ૧૦૦ ટકાથી પણ વધુ વધારો જોવા મળ્યો છે. ગુજરાતની આવી ૧૪ કંપનીઓએ તેના શેરમાં રોકાણ કરનારા લોકોને એક જ વર્ષમાં માલામાલ બનાવી દીધા છે.

આ ૧૪ પૈકી ૭ ગુજરાતી કંપનીઓ તો એવી છે જેમના શેરની કિંમતોમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦ ટકાનો વધારો નોંધાયો છે. આ એ સમય છે જયારે સેન્સેકસ ૫૦૦૦૦ પોઈન્ટથી વધીને ધીરે ધીરે ૬૦,૦૪૮.૪૭ પોઇન્ટ સુધીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ કંપનીઓએ તેમના રોકાણકારોની સંપત્ત્િ।ને ત્રણગણા કરતાં પણ વધારી દીધી છે. આ કંપનીમાં ગનેશ હાઉસિંગ કોર્પોરેશન લિ., R&B ડેનિમ્સ, અદાણી ટોટલ ગેસ લિ., મોનાર્ક નેટવર્થ કેપિટલ લિ., અદાણી ટ્રન્સમિશન લિ., પીજી ફોઇલ્સ લિ. અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિ. જેવી કંપનીઓ છે.

જયારે બીજી ૭ કંપનીઓ છે જેમના શેર્સની કિંમતમાં ૧૦૦થી ૧૯૭ ટકા જેટલો વધારો થયો છે. જેના નામ આ રીતે છે, અદાણી એન્ટરપ્રાઇઝ લિ., નંદન ડેનિમ લિ., દીપક નિટ્રિટ લિ. અને ગુજરાત થેમિસ બાયોસિન લિ. આ લિસ્ટમાં એવી પણ કંપનીઓ છે જેઓ આ જ વર્ષે આઈપીઓ લઈને આવી છે. ૨૦૨૧ના આ લિસ્ટમાં જી આર ઇન્ફ્રાપ્રોજેકટ્સ લિ., અમી ઓર્ગેનિક લિ. અને તત્વ ચિંતન ફાર્મા કેમ લિ. જેવી કંપનીઓ છે જેમણે રોકાણકારોને ઇશ્યુ પ્રાઈસ કરતાં ૧૦૦ ટકા કરતાં પણ વધારે રિટર્ન આપ્યું છે.

વધારમાં રાજયની ૮ કંપનીઓ એવી છે જેના શેરમાં આ વર્ષમાં ૫૦થી ૯૯ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. માર્કેટમાં આવેલી બંપર તેજી અંગે જીયોજીત ફાઇનાન્સિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું કે 'આ સપ્તાહમાં નબળા ગ્લોબલ માર્કેટની અસર સ્થાનિક શેર બજારના અપસાઈડ મોમેન્ટમ પર જોવા મળી નથી. કારણ કે સ્થાનિક માર્કેટમાં રિયલ્ટી અને આઈટી સેકટરમાં જોવા મળી રહેલી બૂમથી ડોમેસ્ટિક માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ સાથે ગ્લોબલ ઇકિવટી માર્કેટમાં ભારત હાલ એક સારી સ્થિતિ પર છે કારણ કે દેશમાં સ્થાનિક રોકાણકારો સતત વધી રહ્યા છે.'

તેમના જણાવ્યા મુજબ માર્કેટમાં રિયલ્ટી સેકટર હજુ પણ અન્ય તમામ સેકટરને પાછળ છોડશે અને તેજી જોવા મળશે. કારણ કે દેશમાં હોમ લોનના રેટમાં ઘટાડો થવાથી પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. તેમણે આ સાથે ઉમેર્યું કે જોકે મિડ અને સ્મોલ કેપ શેર્સમાં પ્રોફિટ બુકિંગ નોટિસેબલ સ્થિતિમાં રહેશે અને તેના કારણે માર્કેટ પર એક દબાણ જરુર જોવા મળશે જોકે એક નાના પિરિયડ માટે રહેશે.

(10:13 am IST)