Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અંકલેશ્વરમાં ઝાયડસ કેડીલા કંપનીનાં પ્લાન્ટમાં બ્લાસ્ટ : બે કામદારો દાઝ્યા

કેમિકલ ડ્રમ ફાટતા અફરાતફરીનો માહોલ : કંપની સત્તાધીશો પણ સ્થળ ઉપર દોડી આવ્યા

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ઉદ્યોગોમાં અવારનવાર ઔધોગિક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં આજે સવારે વધુ એક ઘટના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝાયડસ કેડીલા કંપનીનાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાની સામે આવી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝાયડસ કેડીલા હેલ્થ કેર લિમિટેડ યુનિટ-૨ ખાતે આજે સવારે કેમિકલ ડ્રમમાં અચાનક બ્લાસ્ટ થતા કામદારોમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જયો હતો બીજી તરફ ઘટનામાં બે જેટલા કામદારો ડ્રમ ફાટતાની સાથે જ શરીરના ભાગે દાઝી જતા ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં જોગીન્ડર આર સુકલા, ઉં. 53. રહે. ભડકોદ્રા વધુ ગંભીર રીતે દાઝી ગયા હતા.

અચાનક બનેલ ઘટનાના પગલે કંપની સત્તાધીશો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મામલે પોલીસ વિભાગ સહિતના તંત્રને જાણ કરતા અધિકારીઓએ સ્થળ પર દોડી જઈ ઘટના અંગેની વિગતો મેળવી હતી સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

(12:50 pm IST)