Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ખેડા જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલ ભારે વરસાદના કારણોસર તમાકુના હજારો રૂપિયાના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી

નડિયાદ : ખેડા જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદને લીધે દેશી તમાકુના પાકને હજારો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળે છે. જોકે વરસાદને કારણે ડાંગર, કપાસ અને દિવેલ સહિતના પાકોને ફાયદો પહોંચ્યો છે.

જિલ્લાના ખેડૂતો પાસેથી મળતી વિગતો પ્રમાણે ઓગસ્ટમાં જિલ્લાના મુખ્ય પાકમાં ગણાતા દેશી તમાકુના  ધરૂવાડીયામાં તમાકુના છોડ રોપણીને લાયક થઈ ગયા હતા. તે સમયે સિંચાઈની વ્યવસ્થા ધરાવતા ખેડૂતોએ રોપણી શરૂ કરી દીધી હતી. સપ્ટેમ્બરમાં ફરી ચોમેર મેઘમહેર વરસતા અન્ય પાકો નુકસાનીમાંથી ઊગરી ગયા હતા, પણ તમાકુના પાકને નુકસાન પહોંચવા માંડયું હતું. નડિયાદ અને મહુધા પંથકમાં વ્યાપકપણે ઉત્પાદિત થતું બિનપિયત દેશી તમાકુની રોપણી ખેડૂતોએ કરી હતી. સપ્ટેમ્બરમાં વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદી વાતાવરણ જામતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તમાકુના છોડ ખીલેલા જોઈ ખેડૂતો પણ હરખાયા હતા. જોકે ગત સપ્તાહે સળંગ ચાર દિવસ અનરાધાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. આ દરમિયાન મહુધા અને નડિયાદમાં ચારથી પાંચ ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. 

 

(5:22 pm IST)