Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નવસારીમાં સત્યસાંઇ શાળાના બે વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ: 10 દિવસ શાળા બંધ કરાઈ

આરોગ્ય વિભાગે શાળામાં શરદી-ખાંસી હોય તેવા વિદ્યાર્થીઓની કરી તપાસ

નવસારી :  કોરોના કાળમાં સતત લાંબા સમય સુધી સ્કૂલો બંધ રહેતા સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી શાળાના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો સતત બાળકો વાલીઓ અને શાળા સ્ટાફ પર વધુ પડતો દેખાઈ રહ્યો છે. શાળામાં કોરોના નિયમનું પાલન કરાવવું અધરું છે આથી જ કોરોના ફેલાવવાનો ડર પણ વધુ છે ત્યારે નવસારી સત્યસાંઇ શાળા બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર સહિત શાળા સ્ટાફના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

છેલ્લા એક મહિનાથી ચાલુ થેલી સ્કૂલોમાં અનેક વખત ક્યાંક બાળકો તો ક્યાંક શિક્ષકો અને શાળાનો અન્ય સ્ટાફ કોરોનાની ચપેટમાં આવી રહ્યો છે. નવસારીમાં કોરોનાના 2 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. અને બંને કેસો સત્યસાંઇ શાળાના વિદ્યાર્થીઓના છે. શાળાના બાળકો કોરોના ભરડામાં આવતા તંત્ર દોડતું થયું છે. શાળાના વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ આવતા શાળાને નોટિસ આપવામાં આવી છે. સાથે 10 દિવસ સત્યસાંઇ શાળા તદ્દન બંધ કરાવી દેવાઈ છે. સ્થિતિ જોતાં શાળા સંચાલકોએ સ્વૈચ્છાએ 14 દિવસ માટે હોસ્ટલ પણ બંધ કરી દીધી છે.

આરોગ્ય વિભાગે શાળામાં શરદી-ખાંસી હોય તેવા વિદ્યાર્થીઓની પણ તાત્કાલિક તાપસ કરી છે. જો કે સદનસીબે 2 વિદ્યાર્થી સિવાય હાલ તો શાળામાંથી કોઈ કોરોના પોઝિટિવ આવ્યું નથી પણ અન્ય બાળકોમાં હવે લક્ષણ દેખાશે તેનો ડર તંત્ર અને વાલીઓને લાગી રહ્યો છે. સાવચેતીના ભાગ રૂપે તમામ વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી છે કે જો કોઈ બાળકમાં કોરોનાના લક્ષણ દેખાય તો તંત્રને ઝડપથી જાણ કરે.

(10:07 pm IST)