Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મનગમતા નંબર માટે રૂપિયા ૨૫.૪૫ લાખની બોલી લાગી

ગાંધીનગર આરટીઓમાં બોલી : ગાંધીનગર આરટીઓમાં પસંદગીના ૦૦૦૧ નંબર માટે કાર માલિકે ૨૫.૪૫ લાખ રુપિયાની બોલી લગાવી

ગાંધીનગર, તા.૨૪ : એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યાં છે અને લોકો મોંઘવારીની બુમો પાડી રહ્યાં છે ત્યારે ગાંધીનગર આરટીઓમાં ફોર વ્હીલરની નવી સિરીઝની ઓનલાઇન બીડમાં ૦૦૦૧ નંબર માટે રુ. ૨૫.૪૫ લાખની બીડ ભરવામાં આવી છે. જ્યારે ૦૦૦૯ નંબર માટે ૮૫ હજાર રુપિયા ભરાયાં છે. આ નંબર ઇચ્છતાં વાહનચાલકોએ પાંચ દિવસમાં આરટીઓમાં રુપિયા ભરી દેવા પડશે.

પોતાની કાર માટે મનગમતો નંબર પસંદ કરવા ગાંધીનગરના એક વાહન માલિકે ખર્ચેલી આટલી મતબર રકમ જાણીને તેની કાર કેટલી કિંમતની હશે તે પણ પ્રશ્ન ઉદભવી રહ્યો છે. ફોર વ્હીલરમાં પસંદગીના નંબર માટે આજે યોજાયેલી હરાજીમાં ગાંધીનગર આરટીઓમાં નંબર ૧ માટેની આટલી મોટી રેકોર્ડ બ્રેક બોલી પ્રથમ વખત જોવા મળી છે. આ ઉપરાંત ફોર વ્હીલરના પસંદગીના ૯ નંબર માટે પણ ૮૫૦૦૦ બોલી બોલાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફોર વ્હીલરના નંબર માટેની નવી મ્ઊ સીરિઝની આ હરાજીમાં ગાંધીનગર આરટીઓને અધધ કહી શકાય તેવી આવક થઈ છે.

મહત્વનું છે કે સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને સામાન્ય અને મધ્યમવર્ગની કમર તુટી ગઇ છે. આ ભાવોના કારણે જીવન જરુરીયાતની ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા છે. જેને લઇને આગામી તહેવારો કેવી રીતના ઉજવવા તે પ્રશ્ન પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે એક બાજુ એવો પણ વર્ગ છે કે જે પોતાના વાહનમાં મનપસંદ નંબર મેળવવા માટે લાખો રુપિયાનો ખર્ચ કરી રહ્યો છે. ગાંધીનગર આરટીઓમાં જી.જે.૧૮.બીક્યુ.ની ફોર વ્હીલરની નવી સીરીઝ માટે ઓનલાઇન હરાજી યોજવામાં આવી હતી.

આ હરાજીમાં મનપસંદ નંબર મેળવવા માટે વાહનચાલકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી દીધી હતું અને આ સીરીઝ માટે હરાજી પૂર્ણ થઇ ત્યારે ૦૦૦૧ નંબર માટે રુપિયા ૨૫.૪૫ લાખની બીડ ભરાઇ ગઇ હતી. તો ૦૦૦૨ નંબર માટે ૫૧ હજાર, ૦૦૦૩ માટે ૧૫ હજાર, ૦૦૦૪ માટે ૧૫ હજાર, ૦૦૦૫ માટે ૪૦ હજાર, ૦૦૦૭ નંબર માટે ૫૫ હજાર, ૦૦૦૮ માટે ૧૫ હજાર અને ૦૦૦૯ નંબર માટે ૮૫ હજારની બીડ વાહનચાલકોએ ભરી હતી.

(9:15 pm IST)