Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વર્ચ્‍યુઅલ મિત્રોને મળવા ઘર છોડીને જતી રહી દીકરીઃ પરિવારે અભયમ હેલ્‍પલાઈનને ફોન કરીને માગી મદદ

દીકરીને મોબાઈલનું વળગણ થઈ ગયું છે અને દિવસના ૧૦થી વધુ કલાક તે ઓનલાઈન રહે છે : તરુણ વયની છોકરીઓને લગતા ડિસ્‍ટ્રેસ કોલની સંખ્‍યામાં ચેતવણીરૂપ ૭૪ ટકાનો ઉછાળો

અમદાવાદ, તા.૨૫: ચાંદખેડાના એક રહેવાસીએ સરકારી મહિલા હેલ્‍પલાઈન અભયમ ૧૮૧ પર ફોન કરીને મદદ માગી હતી. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા ફોન દ્વારા ૧૪ વર્ષની છોકરીના વાલીએ મદદ માગી હતી. તેમની ફરિયાદ હતી કે, તેમની દીકરીને મોબાઈલનું વળગણ થઈ ગયું છે અને દિવસના ૧૦થી વધુ કલાક તે ઓનલાઈન રહે છે.
૧૮૧ અભયમના કાઉન્‍સેલરે કહ્યું, છોકરી વર્ચ્‍યુઅલ વર્લ્‍ડમાં મોટાભાગનો સમય વિતાવતી હોવાથી તેના માતાપિતા ખૂબ ચિંતિત હતા. સોશિયલ મીડિયા પર વધુ રહેવાના કારણે તે પોતાના ઓનલાઈન અભ્‍યાસ પર પણ ધ્‍યાન નહોતી આપતી. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર મળતી લાઈક અને ત્‍યાં ઓનલાઈન થયેલી મિત્રતાના કારણે તેના મૂડમાં પણ મોટું પરિવર્તન જોવા મળતું હતું. જે મોબાઈલ ઓનલાઈન અભ્‍યાસ માટે લઈ આપ્‍યો હતો તે દીકરીને ખોટા રવાડે ચડાવી દેશે તેવી માતાપિતાને ચિંતા હતી. આ પરિવારને હવે સાઈકોલોજીસ્‍ટ પાસે મોકલવામાં આવ્‍યો છે.
અભયમ હેલ્‍પલાઈનના અમદાવાદના કો-ઓર્ડિનેટર ફાલ્‍ગુની પટેલે કહ્યું કે, આ પ્રકારના જે ડિસ્‍ટ્રેસ કોલ આવે છે તેમાં મોટાભાગે ૧૨થી૧૮ વર્ષની છોકરીઓ હોય છે, જેમણે ઓનલાઈન ક્‍લાસ માટે પહેલીવાર મોબાઈલનો ઉપયોગ શરૂ કર્યો હોય છે. એટલું જ નહીં કેટલાક પેરેન્‍ટ્‍સ ફોન કરીને એવી પણ ફરિયાદ કરતાં હોય છે કે, તેમની ૧૪-૧૫ વર્ષની દીકરીઓ તેમના વર્ચ્‍યુઅલ મિત્રોને મળવા ઘર છોડીને જતી રહે છે. ૧૪ વર્ષની છોકરી તેણે ઓનલાઈન બનાવેલા ફ્રેન્‍ડને મળવા માટે દ્યર છોડીને જતી રહી ત્‍યારે પરિવાર વ્‍યાકુળ થઈ ગયો હતો. આ છોકરીને પરિવારે ઓનલાઈન અભ્‍યાસ માટે પહેલીવાર ફોન આપ્‍યો હતો તેમ ફાલ્‍ગુની પટેલે ઉમેર્યું.
આ પ્રકારના કોલ છૂટાછવાયા નથી હોતા. કોરોના મહામારીની આડઅસરો તેમજ ટીનેજર-યુવાનોના ઓનલાઈન એજયુકેશનનું વ્‍યવસ્‍થિત દસ્‍તાવેજીકરણ કરવામાં આવ્‍યું છે ત્‍યારે ૧૮૧ હેલ્‍પલાઈન દ્વારા લિંગના આધારે કરવામાં આવેલું વિશ્‍લેષણ આ સમસ્‍યાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. હેલ્‍પલાઈનના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, તરુણ વયની છોકરીઓને લગતા ડિસ્‍ટ્રેસ કોલની સંખ્‍યામાં ચેતવણીરૂપ ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. ઓક્‍ટોબર ૨૦૧૯થી સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ દરમિયાન આ કોલની સંખ્‍યા ૧૪૩ હતી જે ૨૦૨૦-૨૧ના આ જ સમયગાળામાં વધીને ૨૪૩ થઈ છે. આ ડેટામાં ગુજરાતના ચાર મોટા શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. મોટાભાગના વાલીઓએ સ્‍વીકાર્યું કે, ઓનલાઈન ક્‍લાસ શરૂ નહોતા થયા ત્‍યાં સુધી તેમણે દીકરીઓને ફોન વાપરવા આપ્‍યો હતો.
છોકરીઓની ઓનલાઈન પજવણી, સતત ફોટો કે વિડીયો પર નજર રાખવી અને નાની ઉંમરે જ રિલેશનશીપમાં આવવાના કિસ્‍સા વધી રહ્યા છે, જેના કારણે પોતાની દીકરીઓની ઓનલાઈન ફ્રેન્‍ડશિપ માતાપિતા માટે માથાનો દુખાવો બની છે. દીકરીઓની સુરક્ષાની ચિંતા માતાપિતાને સતાવી રહી છે. તેમને ભય છે કે, આ ઓનલાઈન ફ્રેન્‍ડશિપ દીકરીની અસલ જિંદગીને બરબાદ કરી શકે છે. અમે વાલીઓને સમજાવીએ છીએ કે, માત્ર જેન્‍ડર કે ફોનને દોષ આપવાને બદલે છોકરીઓને સાયબર વર્લ્‍ડના ફાયદા અને ગેરફાયદા અંગે માહિતગાર કરે, તેમ ફાલ્‍ગુની પટેલે ઉમેર્યું.
શહેરના સાઈક્‍યાટ્રિસ્‍ટ ડો. હંસલ ભચેચે કહ્યું, આ વયજૂથમાં લોકડાઉન દરમિયાન અને તેના પછીના મહિનાઓમાં સ્‍ક્રીનના વળગણમાં ૩-૪ ગણો વધારો જોવા મળ્‍યો છે. પરંતુ જયારે જેન્‍ડરની વાત આવે ત્‍યારે સંભવિત કારણોના ઊંડાણમાં ઊતરવું જરૂરી છે. જે છોકરીઓ મોટાભાગ મોબાઈલમાં વધુ સમય વિતાવતી હોય તેમને એંગ્‍ઝાયટિ અને પોતાની ઉંમરના લોકોથી પાછળ ના રહી જાય તેનો ડર હોય છે. જયારે પરિવાર અને મિત્રોને મળવાનું શક્‍ય ના હતું ત્‍યારે તેઓ વર્ચ્‍યુઅલ દુનિયામાં રહીને ભાવનાત્‍મક સાંત્‍વના મેળવતી હતી. ફિયર ઓફ મિસિંગ આઉટ (જ્‍બ્‍પ્‍બ્‍) પણ એક કારણ છે કે, તેઓ ઈન્‍સ્‍ટાગ્રામ જેવી સાઈટ પર સતત સ્‍ક્રોલિંગ કરતાં રહે છે.

 

(10:46 am IST)