Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કેયુરને મેયર બનાવ્‍યો ત્‍યારે લાગ્‍યુ કે, ઝડપથી નિર્ણય લેશે... હવે મિટીંગ બંધ કરો અને ઝડપથી નિર્ણય લો, આગામી અઠવાડિયામાં ગાયો રસ્‍તા ઉપર અને મંદિરોમાં ભિક્ષુકો ન દેખાવા જોઇએઃ વડોદરામાં મેયરને ટકોર કરતા સી.આર. પાટીલ

વડોદરા: ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સરદાર ધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા છે. વડોદરામાં પાટીદાર બિઝનેસ સમિટ કાર્યક્રમમાં સીઆર પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, CM પોતે કહે કે તેમને પણ ખબર નથી કે હું કઈ રીતે મુખ્યમંત્રી બની ગયો. પાટીલે CM ભૂપેન્દ્ર પટેલના નિખાસલ સ્વભાવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાવ ઓલિયો માણસ છે. CM ઓલિયો એટલે કે ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરળ માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારું માને પણ છે.

સીઆર પાટીલે જય સરદાર કહીને સંબોધનની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં સી. આર. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પાટીદાર સમાજ ભાજપની સાથે હતો અને રહેશે. તેમણે કહ્યુ હતું કે, સ્વાભાવિક પણે મારું અનુમાન છે કે ભાઇઓ બહેનોને પ્રાધાન્ય આપતા નથી. વિશ્વને પટેલોનો પરિચય કરાવવો જોઈએ નહિ કે પટેલોએ વિશ્વનો પરિચય કરાવવો જોઈએ. પહેલા એક રેકોર્ડ થતો હતો કે સૌથી વધુ લોકો તાજમહલ જોવા આવતા હતા. હવે વિદેશોમાંથી સૌથી વધુ લોકો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. પાટીદાર સમાજ અને ભાજપ મહદઅંશે એકબીજા સાથે જ જોડાયેલા છે.

તો બીજી તરફ, વડોદરાના કાર્યક્રમમાં  શહેરના મેયર કેયુર રોકડીયાને મંચ પરથી સી આર પાટીલે મોટી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. કેયુર રોકડીયા યુવાન હતા એટલે મેયર બનાવ્યા. મેયર કેયુર રોકડીયા હવે મિટિંગ બંધ કરો, અને ઝડપી નિર્ણય લો. આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવી જોઈએ. મંદિરમાં ભિક્ષુકો દેખાવા ના જોઈએ.

વડોદરામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નો પ્રમોશનલ કાર્યક્રમ થયો. મધ્ય ગુજરાતના સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજનો કાર્યક્રમ થયો. જેમાંકાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા. સી. આર. પાટીલનું કાર્યક્રમમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ મધ્ય ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. મહત્વનું છે કે, સુરતના સરથાણામાં 26, 27 અને 28 ફેબ્રુઆરી 2022ના દિવસે સમિટ થવાની છે. જેમાં 10 હજાર ઉદ્યોગકારો ભાગ લેશે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આરોપ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું કેસ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જોઈએ. જો ભરતી કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો સરકાર પણ તપાસ કરશે..મહત્વનું છે કે, વડોદરાની એમએસ યુનિવર્ટીમાં ભરતી કૌભાંડ થયું હોવાનો આરોપ ખુદ ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યો હતો.

(4:21 pm IST)