Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગાંધીનગર:હલકી ગુણવતાવાળી સ્ટ્રોમ વોટરલાઇનની કામગીરીથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રાયસણના ટીપી-૧૯ વિસ્તારમાં સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામની હલકી ગુણવત્તાને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને કામ અટકાવી દીધું હતું. જેના કારણે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને કામની ગુણવત્તાની ચકાસણી કરવા આદેશો આપ્યા હતા. અગાઉ પણ ઘણા વિસ્તારોમાં આ લાઈનની કામગીરીને લઈ વિરોધ થયો હતો.

ગાંધીનગર શહેરની બહાર હાલ ન્યુ ગાંધીનગર આકાર પામી રહયું છે અને અહીં વસવાટ પણ વધ્યો છે ત્યારે વસાહતોને ધ્યાને લઈ રોડ રસ્તા અને પાણી-ગટરના કામો કરોડો રૃપિયાના ખર્ચે શરૃ કરવામાં આવ્યા છે ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ રાયસણના ટીપી-૧૯માં હાલ સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી ચાલી  રહી છે. આજે સવારના સમયે અહીં ચેમ્બરો બનાવવાનું કામ ચાલી રહયું હતું તે દરમ્યાન સ્થાનિકોએ હલકી ગુણવત્તાનું કામ જોઈને વિરોધ નોંધાવ્યો હતોે જેના પગલે પૂર્વ મેયર પ્રવિણભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.આ સંદર્ભે કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓને જાણ કરવામાં આવતાં મેયર હિતેશ મકવાણા અને કોર્પોરેટર મીરાબેન પટેલ પણ પહોંચ્યા હતા અને સ્થાનિકોની રજુઆત સાંભળી હતી. સાઈટ ઈજનેર અને કોન્ટ્રાકટરને યોગ્ય ગુણવત્તા સાથે બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી અને કામગીરીમાં સુધારો નહીં કરવામાં આવે તો પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ટેન્ડરની શરતો પ્રમાણે કામ નહીં થયું હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે જેના પગલે હાલના તબકકે આ વિસ્તારમાં થયેલું કામ તોડીને નવેસરથી કામગીરી શરૃ કરવામાં આવી છે. આ વિસ્તારના અન્ય ગામોમાં પણ સ્ટ્રોમ વોટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે ત્યારે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે છે કે નહીં તે જોવું રહયું. 

(5:33 pm IST)