Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

દિવાળીના તહેવારોમાં ગેરકાયદે ભેટ-સોગાદ લેનારા સરકારી અધિકારી -કર્મચારીઓ સાવધાન : એ.સી.બી. વોચ રાખશે.

એ.સી.બી. ના અધિકારીઓને ખાનગી રાહે વોચમાં રહી સક્રિયપણે ફરજ બજાવવા કડક સુચના

અમદાવાદ : દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારી કર્મચારીઓને વિવિધ ઉધોગગૃહો, કોર્પોરેટર હાઉસો અને સીધી કે આડકતરી રીતે સરકારી કામકાજ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તરફથી ભેટ સોગાદ આપવાની વર્ષો જુની પ્રથા અને પરંપરા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ રીતે આપવામાં આવતી અને લેવામાં આવતી શુભેચ્છા રૂપેની ભેટ સોગાદ એ ભ્રષ્ટાચારનો જ એક હિસ્સો છે. ઘણાં કિસ્સામાં સરકારી અધિકારી કર્મચારીને કિમતી ચીજવસ્તુઓ ઉપરાંત દેશ-વિદેશના પર્યટક સ્થળો સુધી આવવા-જવાની હવાઇ મુસાફરી તેમજ મોર્ઘીદાટ હોટલોમાં રહેવાની સગવડ કરી આપવા, ગીફટ વાઉચરો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવતા હોવાનું ઉજાગર થવા પામેલ છે. આ પ્રકારની ભેટ સોગાદો આપવા પાછળ સરકારી કામકાજમાં પોતાનો હેતુસિધ્ધ કરવાનો જ રહેલો હોય છે.


ચાલુ વર્ષે દિવાળીના તહેવાર દરમ્યાન શુભેચ્છા નિમિત્તે ભેટ સોગાદ આ રીતે આપવામાં આવતી હોવાનું ધ્યાને આવતા, આ પ્રકારે લાંચ લેતા અધિકારી/કર્મચારીઓને ઝડપી લેવા સારૂ ઉચ્ચ કક્ષાએથી એ.સી.બી. ના અધિકારીઓને ખાનગી રાહે વોચમાં રહી સક્રિયપણે ફરજ બજાવવા કડક સુચના આપવામાં આવેલ છે, આ સુચનાને પગલે આ પ્રકારની લાંચિયા વૃત્તિ રોકવા સારૂ એ.સી.બી. ના દરેક પોલીસ મથકે ખાસ ટીમનું આયોજન કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો કરવા દરેક સરકારી કચેરી ખાતે ખાનગી રાહે વોચ રાખવામાં આવી રહેલ છે.

આ ઉપરાંત આવી પ્રવૃતિ આચરતા લાંચિયા અધિકારી કર્મચારીઓની અલાયદી યાદી તૈયાર કરી, તેઓના રહેણાંક સ્થળે પણ ખનગીમાં વોચ રાખવામાં આવી રહેલ છે. આ પ્રકારે કોઈ અધિકારી/કર્મચારી શુભેચ્છા રૂપે લાંચ લેતા ઝડપાશે તો લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાની અને સખત પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે

(7:28 pm IST)