Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

નરેશ-મહેશ કનોડિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ અપાશે : ભુપેન્દ્રભાઈ પટેલ

મહેશ-નરેશ સ્મૃતિના સથવારે” સંગીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીની મોટી જાહેરાત : કહ્યું વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો છે

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ બંનેને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં “મહેશ-નરેશ સ્મૃતિના સથવારે” સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર,શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે જ રાજ્યની અનેક નામી હસ્તીઓ પણ હાજર રહી, તો ગુજરાતી કલાકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જીગ્નેશ કવિરાજ,પાર્થિવ ગોહિલ સહિત રાજ્ય ભરના કલાકારો ઉપસ્થિત રહ્યાં. આ કાર્યક્રમમાં નરેશ કનોડિયાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો છે કે નરેશ-મહેશ કનોડિયાને આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી  એવોર્ડ આપવામાં આવશે. આ રીતે ભારત સરકાર શ્રેષ્ટ નાગરિક સન્માન દ્વારા આ બંને ભાઈઓનું મરણોપરાંત સન્માન કરશે.

 

નરેશ અને મહેશ કનોડિયાને આ પહેલા મળેલા એવોર્ડ પર નજર કરીએ તો
1)2012માં દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડ
2)1974-75માં ફિલ્મ ‘તાનારીરી’ માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ
3)1980-81માં ફિલ્મ ‘જોગ સંજોગ’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે એવોર્ડ
4)1980-81માં ‘જોગ સંજોગ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ નિર્માતા તરીકેનો એવોર્ડ
5)1980-81માં ‘જોગ સંજોગ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ
6)1991-92માં ફિલ્મ ‘લાજુ લાખણ’ માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ

નરેશ કનોડિયાની સુપરહિટ ફિલ્મો પર એક નજર કરીએ તો ઢોલા મારું, હિરણને કાંઠે, મેરું-માલણ, રાજ રાજવણ, જોડે રહેજો રાજ, મોતી વેરાણા ચોકમાં, પરદેશી મણિયારો, સાજન હૈયે સાંભરે, સાજન તારા સંભારણા, લાડી લાખની સાયબો સવા લાખનો, મહેંદી રંગ લાગ્યો, ઝૂલણ મોરલી, પાલવડે બાંધી પ્રીત, કંકુની કિંમત, કાંટો વાગ્યો કાળજે, કાળજાનો કટકો, વણઝારી વાવ, હાલો આપણા મલકમાં, તમે રે ચંપો ને અમે કેળ અને અન્ય ઘણી ફિલ્મો.

(11:52 pm IST)