Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદી સંચાલનમાં મૂકનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું

1000 નવીન BS-VI વાહનો ખરીદવાની મંજુરી: 685 સંચાલનમાં મૂકાઇ- બીજી 315 બસો ઓક્ટોબર સુધીમાં સંચાલનમાં મૂકાશે

અમદાવાદ :રાજય સરકાર દ્રારા વર્ષ 2020-21 માટે 1000 નવીન BS-VI વાહનો ખરીદવાની મંજુરી મળી હતી જે પૈકી 685 વાહનો સંચાલનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના 315 વાહનો ઓકટોબર- 2021 સુધીમાં સંચાલનમાં મુકવામાં આવશે. વર્ષ 2021-22 માટે મંજુર થયેલ 1000 BS-VI ડીઝલ વાહનો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળી રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે હેતુસર “ZERO AIR POLLUTION” ધરાવતી 50 ઈલેકટ્રીક બસો ભારત સરકારની FAME II સબસિડી અંતર્ગત સંચાલનમાં સત્વારે મુકાશે. આ બસોમાંથી 25 બસો ડિસેમ્બર 2021 સુધીમાં તેમજ બાકીની 25 બસો માર્ચ – 2022 સુધીમાં સંચાલનમાં મુકાશે જેથી મુસાફરોની સગવડમાં વધારો થવાની સાથે પ્રદુષણમાં ઘટાડો થશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સમગ્ર રાજ્યમાં રોજના અંદાજીત 34 લાખ કી.મી.નું સંચાલન કરી દૈનિક 25.18 લાખ મુસાફરોને પરિવહનની સેવા પુરી પાડે છે. એસ.ટી નિગમ દ્વારા ગુજરાતના કુલ 18,676 ગામડા પૈકી 18,554 ગામડાંને પરિવહનની સેવા થકી આવરી લેવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગોએ મધ્યમ અને ગરીબ લોકો માટેની વિશેષ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો 11,980 વાહનો થકી રાજ્યના 9,665 કુટુંબોએ લાભ લીધો છે. ગ્રામીણ વિદ્યાર્થીઓને 82.50 ટકા તેમજ વિદ્યાર્થીનીઓને 100% રાહત દરે મુસાફરીની સુવિધા જેનો ચાલુ નાણાકીય વર્ષમાં 3 લાખ વિદ્યાર્થીઓ તેમજ 3.43 લાખ વિદ્યાર્થિનીઓએ રાહત દરે મુસાફરીની સુવિધાનો લાભ લીધો છે. નાગરિકોની સેવામાં છેલ્લા 5 વર્ષમાં 5,785 નવી બસો સંચાલનમાં મુકવામાં આવી છે.

લોકડાઉન દરમિયાન શ્રમિકો, કામદારો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, કોરોના વોરીયર્સ જેવા કે મેડીકલ સ્ટાફ, પોલીસકર્મીઓ વગેરેને પરિવહન સેવા પુરી પાડી 22,953 બસ ટ્રીપ દ્વારા કુલ 6,99,357 લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે. 2249 ડ્રાઇવરના ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ પ્રાથમિક દસ્તાવેજ ચકાસણી પુર્ણ કરી ટુંક સમયમાં જ નિમણુંક આપવામાં આવશે. 2389 કંડકટર અને 659 મિકેનીકલ સ્ટાફની ભરતી કરાશે. પરિણામે એસટી બસ પરિવહન તંત્રની કામગીરીમાં સુગમતા રહેશે.

ડિજિટલ સેવાસેતુ અંતર્ગત નિગમની બસ ટીકીટ અને મુસાફર પાસ ગ્રામ્યકક્ષાએ જ આમ જનતાને મળતા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના 87 બસ સ્ટેશનો ખાતે મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે હેતુથી ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરો ઘેર બેઠા ઓનલાઇન બસ ટીકીટ બુક કરી શકે તે માટે નવીન ફીચર્સ સાથે Android અને iOS મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.

(12:15 am IST)