Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

હડાદ પોલીસ સ્ટેશનમાં આરોપીએ આત્મહત્યા કરી

ટોળાં એકઠા થતાં મામલો ગરમાયો : આઈપીએસ અગ્રવાલ તાકીદે પોલીસના મોટા કાફલા સાથે હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

અંબાજી,તા.૨૪ : યાત્રાધામ અંબાજીથી નજીક આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં એક કથિત આરોપીએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈ સવારથી જ મોડીરાત સુધી આદિવાસી લોકોનો મોટો જમાવડોને વાતાવરણ તંગ પરિસ્થતિ વાળું જોવા મળ્યું હતું. અંબાજીથી ૧૮ કિલોમીટર દૂર આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં એક ૧૮ વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ લેતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટના વહેલી સવારે ઘટી હતી પોલીસ કસ્ટડીમાં મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ મેગળા ધ્રાંગી ઉંમર વર્ષ ૧૮ રહે બોસા તાલુકો આબુરોડ રાજસ્થાન વાળાએ કોઈ અગમ્ય કારણો સર પોલીસ કસ્ટડીમાં જ પંખા સાથે શર્ટ બાંધી દોરડી વળે ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી. જેના સમાચાર વાયુ વેગે આદિવાસી પંથક માં ફેલાતા આદિવાસી લોકોના ટોળે ટોળા હડાદ પોલીસ સ્ટેશન આગળ ઉમટ્યા હતા અને ભારે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને લઈ આઈપીએસ સુશીલ અગ્રવાલ તાકીદે પોલીસના મોટા કાફલા સાથે હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો આ ઘટના બનતા પોલીસ સ્ટેશનમાં આદિવાસી લોકોમાં ભારે રોષ અને સંબધીઓમાં હૈયા ફાટ રુદન્તથી વાતાવરણ ગંભીર બન્યું હતું. જોકે આ સમગ્ર ઘટના એક અલગજ પ્રકાશ પાડી રહી છે.

          મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગી ઉમર વર્ષ ૧૮ તેમજ તેનો જોડીદાર વિપુલ ડાભી ઉમર વર્ષ ૧૭ નાઓ ગત મોડી રાત સુધી હડાદ પંથક માં મોટર સાઇકલ ઉપર ફરી રહ્યા હતા અને પોલીસને પેટ્રોલિંગમાં જોઈ પોલીસના ડર થી ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં આ બને મિત્રો બાઈક સાથે પટકાઈ જતા એકની અટકાયત કરાતા બીજો પણ પકડાઈ જવા પામ્યો હતો. અને બંને ઉપર શંકાકુશંકા થતા પોલીસ આ બંનેને કથિત શકમંદ આરોપી જણાતા હડાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ અને તેમની અટકાયત પૂર્વે કોરોના ટેસ્ટ કરવાનો થતો હોઈ  ધરપકડ બાકી રખાઈ હતી પણ સવારે વધુ તપાસ હાથ ધરાય તે પૂર્વે આ બને મિત્રોમાંથી એક મિત્ર પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગીએ વહેલી સવારમા જ લેડીઝ રૂમમા જ પંખા સાથે શર્ટ લટકાવી દોરી બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ સમય તેનો બીજો મિત્ર વિપુલ ડાભી તેજ રૂમમાં સુઈ રહેલ પણ પ્રકાશની આત્મહત્યા વાળી ગતિવિધિથી તે પણ સંપૂર્ણ અજાણ જ રહ્યો અને વિપુલ ડાભી જાગે તે પહેલા પ્રકાશ ધ્રાંગીની જીવન લીલા સંકેલાઇ ચુકી હતી. સવારે વિપુલ ડાભી  જાગી પડતા પ્રકાશને લટકેલો મૃત હાલતમાં જોઈ તે પણ ભાંગી પડ્યો હતો અને તેને પણ ગળે ફાંસો ખાવાનો પ્રયાશ કર્યો હતો પણ હડાદ પોલીસ એ તેને બચાવી લીધો હતો.

(8:56 pm IST)