Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુરતના અડાજણ વિસ્તારમાં 60 લાખથી વધુનું સોનુ ખરીદી ફરાર થયેલ વૃદ્ધ સંચાલકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

સુરત, : સુરતના અડાજણ, રાંદેર અને ઘોડદોડ રોડના જવેલર્સનું રૂ.60 લાખથી વધુનું સોનું ઉપરાંત કાર, રોકડા રૂ.5 લાખ લઈ ત્રણ પુત્રો સાથે ફરાર સોનાચાંદીની રિફાઈનરીના વૃદ્ધ સંચાલકને ક્રાઈમ બ્રાન્ચે 13 વર્ષે તેના વતન મહારાષ્ટ્રના સાંગલી ખાતેથી ઝડપી લીધો છે.સુરતથી પરિવાર સાથે ફરાર થયેલા વૃદ્ધ સંચાલકે વતનમાં બાલાજી રીઅલ એસ્ટટેના નામે ઓફિસ શરૂ કરી જમીન મકાન લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઈ અને સ્ટાફે મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે માધવનગર રોડ બાલાજી એસ્ટેટ નજીકથી શાંતારામ નામદેવ પાટીલ ( ઉ.વ.60, રહે.ફલેટ નં.9, ત્રીજો માળ, શ્રીગણેશ હાઈટ્સ, માધવનગર રોડ, જી.સાંગલી, મહારાષ્ટ્ર. મૂળ રહે.સીરગાવ, જી.સાંગલી, મહારાષ્ટ્ર ) ને ઝડપી લીધો હતો.હાલ સાંગલીમાં બાલાજી રીઅલ એસ્ટટેના નામે જમીન મકાન લે-વેચનો ધંધો કરતા શાંતારામ વિરુદ્ધ વર્ષ 2009 માં સુરતના અડાજણ, રાંદેર અને ઉમરા પોલીસ મથકમાં ઠગાઈની ત્રણ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તે 13 વર્ષથી વોન્ટેડ હતો.શાંતારામ તેના ત્રણ પુત્રો સંતોષ, અવિનાશ અને ઉમેશ સાથે અડાજણ આનંદમહલ રોડ ખોડીયારનગર સોસાયટીમાં પોતાના ઘરની નીચે શ્રીગણેશ રિફાઇનરીના નામે સોનાચાંદી ગાળવાનું અને ચોખ્ખું કરવાનું કારખાનું ચલાવતો હતો.

(5:59 pm IST)