Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

આપ સર્વેમાં નથી આવતી પણ સીધી જ સરકારમાં આવી જાય છે, સર્વે તો ઘરે બેસીને બનાવાય છે : ભગવત માન

ભાજપે 27 વર્ષ દરમિયાન સ્કૂલ, હોસ્પિટલ, બેંક, રોડ, જંગલ, એરપોર્ટ ખાઈ ગયું: બધું જ લુંટી લીધું : નાંદોદ બેઠકના ઉમેદવારના પ્રચારમાં આવેલા પંજાબના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા 

અમદાવાદ :  વિધાનસભા ચૂંટણી 2022 માટે નર્મદા જિલ્લાની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટેના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવાના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના રોડ શો નું આયોજન કરાયું હતું. ભગવત માન રાજપીપલામાં રોડ શો કરે એ પહેલા જ રાજપીપલા નગરપાલીકા દ્વારા શહેરમાં લગાવાયેલા આમ આદમી પાર્ટીના બેનરો અને તોરણો ઉતારી લેવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો.

 આ બાબતે રાજપીપલા નગરપાલીકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા બેનરો લગાવવાની પરમિશન લીધી ન હોવાથી બેનરો અને તોરણો ઉતારાવાયા છે.તો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપને આમ આદમી પાર્ટીની બીક લાગે છે એટલે એમના ઈશારે અમારા બેનરો પાલિકાએ ઉતાર્યા છે.

બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા. રાજપીપલામાં ભગવત માને રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન જીલ્યું હતું.પંજાબ અને નર્મદા પોલીસની કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ભગવત માને રાજપીપલા સફેદ ટાવર પાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ પાસે જનતાના લુટેલા ઘણા પૈસા છે, ઘરે આવેલી લક્ષ્મીને પાછી ન જવા દેતા, ભાજપના પૈસા લેજો પણ વોટ “આપ” ને આપજો.ભાજપ 27 વર્ષ દરમિયાન સ્કૂલ, હોસ્પિટલ, બેંક, રોડ, જંગલ, એરપોર્ટ ખાઈ ગયું છે, એમણે બધું જ લુંટી લીધું છે.અમારી પાર્ટી સર્વેમાં નથી આવતી પણ સીધી જ સરકારમાં આવી જાય છે, સર્વે તો ઘરે બેસીને બનાવાય છે

(8:05 pm IST)