Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નવ ઉમેદવારો ઉપર મહિલા સામે ગુનાના કેસ

અમદાવાદ, તા.૨૫: નવા ઉમેદવારોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા પોતાના સોગંદનામામાં જણાવ્‍યું છે કે તેમની ઉપર મહિલાઓ સામેના ગુનાના કેસ થયેલા છે.

આ લીસ્‍ટમાં અમરેલી જીલ્લાની લાઠી બેઠકના ભાજપા ઉમેદવાર જનક તળાવીયા પણ સામેલ છે. જેમની સામે ૨૦૧૫માં મહિલા ઉપર હુમલો અથવા તેના સન્‍માન ભંગ (કલમ ૩૫૪) હેઠળ કેસ નોંધાયો હતો. જો કે તેમણે આની સામે કોઇ અપીલ નથી કરી. આ ઉપરાંત તેમની સામે ઘરમાં ગેરકાયદે ઘૂસીને ઇજા પહોંચાડવાની તૈયારી, હુમલો, ગુનાહીત આશય (કલમ ૪૫૨) (કલમ ૪૨૩ હેઠળ અને અન્‍ય એક ગુનો શાંતિભંગના ઉદ્દેશથી જાણી જોઇને અપમાન (કલમ ૩૦૪) હેઠળ પણ નોંધાયેલો છે.

અન્‍ય એક ભાજપા ઉમેદવાર વલસાડ જીલ્લાની કપરાડા બેઠકના છે જેમની સામે આઇપીસીની કલમ - ૪૯૮એ (મહિલા ઉપર પતિ અથવા તેના સગા દ્વારા ક્રુરતા)નો ગુનો નોંધાયેલ છે. કલમ ૫૦૪ હેઠળ તેમની સામે અન્‍ય બે કેસ પણ નોંધાયેલા છે. તેમ અમદાવાદ મિરરનો અહેવાલ જણાવે છે.

તો બીજી તરફ રાજકોટ દક્ષીણના અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણી સામે કલમ ૩૫૪ હેઠળ ગુનો નોંધાયેલ છે જેમની સામે તેમણે કોઇ અપીલ નથી કરી. કલમ ૩૫૪ હેઠળ જ ભાવનગર જીલ્લાની મહુવા બેઠકના ઉમેદવાર નાનજી બારૈયા સામે પણ અન્‍ય કેસો ઉપરાંત આ ગુનો નોંધાયેલ છે. તો રાજુલાના અપક્ષ ઉમેદવાર કરણ બારૈયા સામે આવા જ ગુના ઉપરાંત બે ધાર્મિક જૂથો વચ્‍ચે વૈમનસ્‍ય ફેલાવવાનો ગુનો પણ છે. કચ્‍છની રાપર બેઠકના અપક્ષ ઉમેદવાર સંજયગીરી ગોસ્‍વામી પર પતિ દ્વારા મહિલા પર ક્રુરતા આચરવાનો કેસ નોંધાયો છે.

(1:39 pm IST)