Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ડુંગરાળ વિસ્‍તારમાં મજુરી અને નોકરી કરીને ગુજરાન ચલાવતા લોકોને રાત્રીના સમયે વિકાસની રાજનીતિ સમજાવતા વાંસદાના ભાજપના ઉમેદવાર

લોકપ્રશ્નોમાં પડતી મુશ્‍કેલીઓ જાણીને નિરાકરણ લાવવા આશ્વાસન

નવસારીઃ વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ ઠંડીમાં અંતરીયાળ વિસ્‍તારમાં રાત્રી સભાઓ કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ વિસ્‍તાર મુખ્‍યત્‍વે આદિવાસીઓનો છે.

માગશર મહિનામાં ઠંડીનો પારો ઉંચે ચઢી રહ્યો છે, જેની સાથે જ રાત્રિ દરમિયાન ચુંટણી પ્રચારનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ડુંગરાળ પ્રદેશ ધરાવતી વાંસદા વિધાનસભામાં મજૂરી અને નોકરી કરતા લોકોને રાત્રે મળીને વિકાસના મુદ્દાઓ સાથે આદિવાસી સમાજના ઉત્થાનની વાતો સાથે ભાજપી ઉમેદવાર પિયુષ પટેલ વાંસદાના અંતરિયાળ ગામડાઓ ખૂંદી રહ્યા છે.

ઠંડીનો પારો જેમ જેમ ઉંચે ચઢી રહ્યો છે, તેમ તેમ નવસારી જિલ્લામાં ચુંટણીને લઈ રાજકીય ગરમાટો પણ ચઢી રહ્યો છે. નવસારી જિલ્લાનું આદિવાસી બાહુલ્ય ધરાવતી વાંસદા વિધાનસભામાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન ઉપર નભે છે. જેમાં મોટાભાગના લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે. બીજી તરફ યુવાનો આસપાસના તાલુકા અને જિલ્લાઓમાં નોકરીએ જતા હોય છે. જેથી દિવસ દરમિયાન ઘણા લોકો મળી શકતા નથી. જેથી ચુંટણી જંગમાં ઉતરેલા ભાજપી ઉમેદવાર પિયુષ પટેલ રાત્રિ દરમિયાન વાંસદાના ગામડાઓમાં ફરીને ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. 

ડુંગરાળ પ્રદેશ હોવાથી વાંસદામાં ઠંડીનો ચમકારો પણ વધુ હોય છે, ત્યારે કકળતી ઠંડીમાં પિયુષ પટેલ મજૂરો, ખેડૂતો અને નોકરિયાતોને રાત્રિ સભાઓ અને ઓટલા સભા કરીને મળી રહ્યા છે. સાથે જ તેમના પ્રશ્નો તેમને પડતી મુશ્કેલીઓ વગેરે જાણી એનું નિરાકરણ લાવવાના આશ્વાસન સાથે ભાજપની વિકાસની ગતિને આગળ ધપાવવા સમર્થન પણ માંગી રહ્યા છે. 

જોકે હાડ થીજવતી ઠંડીમાં કરેલો પ્રચાર આદિવાસી મતદારોને કેટલો ગળે ઉતર્યો છે, તે 8 ડિસેમ્બરે જ જાણી શકાશે.

(5:34 pm IST)