Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુરત:વેસુના સોમેશ્વર સ્કેવરમાં 7 ટકા વળતરની લાલચ આપી 6.39 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: વેસુના સોમેશ્વરા સ્કેવરમાં આવેલી યુનિક સિક્યુરીટી એજન્સીના માલિકને લખનઉની થર્ટ પાર્ટી પેરોલ સર્વિસમાં 7 ટકા વળતરની લાલચ આપી ગાર્ડસના એકાઉન્ટમાં રૂ. 6.39 લાખ ટ્રાન્સફર કરાવી રાતોરાત ભુગર્ભમાં ઉતરી જનાર પોતાની એજન્સીના મેનેજર સહિત બે વિરૂધ્ધ વેસુ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે. 

વેસુના સોમેશ્વરા સ્કેવરમાં યુનિક સિક્યુરીટી એજન્સી ચલાવતા સુશીલ અવધબિહારી પાંડે (ઉ.વ. 44 રહે. સર્વોદ નગર સોસાયટી, પાંડેસરા) નો વર્ષ 2019 માં સિસા સિક્યુરીટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા નવીન ત્રિપાઠી સાથે પરિચય થયો હતો. જાન્યુઆરી 2022 માં સિસા સિક્યુરીટીમાંથી નોકરી છોડી બી.આઇ.જી.એસ સિક્યુરીટીમાં મેનેજર તરીકે નોકરીમાં જોડાયેલા નવીને પડોશી મિત્ર નારાયણસીંગને સુશીલની એજન્સીમાં મેનેજર તરીકે નોકરી પર રખાવ્યો હતો. દરમિયાનમાં નવીન અને નારાયણે લખનઉના બી.એલ રોડની કે.એલ. ગુપ્તા ગોવિંદમ એસોસિએશનનો થર્ડ પાર્ટી પે-રોલ કોન્ટ્રાક્ટ અને સર્વિસ ચાર્જ પેટે 7 ટકા વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી લાલચમાં આવી સુશીલે ગોવિંદમ એસોસિએશન દ્વારા મોકલાવેલા 30 ગાર્ડસની યાદી મુજબ તેઓના બેંક એકાઉન્ટમાં જીએસટી અને સર્વિસ ચાર્જ સહિત કુલ રૂ. 6.39 લાખ ડિપોઝીટ કર્યા હતા. આ રકમની સુશીલે ઉઘરાણી કરતા નારાયણસીંગ નોકરી છોડી દીધી હતી અને નવીન સાથે મળી બંને જણા ભુગર્ભમાં ઉતરી ગયા હતા. સુશીલે નવીનની શોધખોળ કરતા તેણે અન્ય એજન્સી સાથે પણ પાંચ લાખની ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું.

(6:30 pm IST)