Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

ઉમરેઠ તાલુકામાં યુવતીનું ગળું કાપવાના કેસમા ગાંધીધામના યુવક વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : તાલુકા મથક ઉમરેઠની કાછિયાપોળ ખાતે એક યુવતીનું ગળું કાપી તેને લોહીલુહાણ હાલતમાં બાથરૂમમાં પૂરી દઈ ફરાર થઈ જવાના બનાવમાં આખરે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉમરેઠ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગાંધીધામના એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છના ગાંધીધામ ખાતે રહેતી વર્ષાબેન હિરેનભાઈ જાની ગઈ ૨૦મી જાન્યુઆરીના રોજ આંખ બતાવવા માટે ઘરેથી નીકળી હતી. દરમ્યાન છેલ્લાં બે વર્ષથી તેની સાથે પ્રેમસંબંધ ધરાવતો રવિ અંબારામ રાવળ (રહે. ગાંધીધામ) તેને રસ્તામાં મળ્યો હતો. દરમ્યાન રવિ રાવળે ચાલ આપણે ફરવા જઈએ તેમ જણાવતાં બંને જણ ગાંધીધામથી બસમાં બેસીને આદિપુર આવ્યા હતા અને આદિપુરથી રાત્રિના સુમારે બસમાં સવાર થઈ બીજા દિવસે વહેલી સવારે ડાકોર બસસ્ટેન્ડ ખાતે આવ્યા હતા. 

જ્યાંથી બંને જણ ઉમરેઠ ખાતે આવ્યા હતા અને રવિ રાવળે અગાઉ મકાન બાબતે ઉમરેઠના ગોપાલભાઈને ફોનથી વાત કરેલી હોવાથી ગોપાલભાઈ બંનેને કાછિયાપોળ ખાતે લઈ ગયા હતા અને હિતેશભાઈના મકાનની ચાવી રવિને આપી મકાન બતાવતાં બંનેએ ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.દરમ્યાન રાત્રિના સમયે બંને પ્રેમીપંખીડાં વાતો કરતાં હતાં ત્યારે યુવતીએ અગાઉ આપેલા રૂ.૪૦ હજારની રવિ પાસે માંગણી કરતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ચાકુ વડે તેના પર હુમલો કરી ગળાના ભાગે મારી દેતાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. બાદમાં રવિ તેને બાથરૂમમાં લઈ ગયો હતો અને દરવાજો બંધ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

(5:09 pm IST)