Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

હાડ થિજવતી ઠંડી વ્હહે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા: હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા: ખેડૂતોની ચિંતામાં વધારો

અમદાવાદ : રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેથી લોકો ઠંડીમાંથી રાહત મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે અને ત્યારબાદ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે.

 

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફુકાઈ રહ્યા છે અને કડકડતી ઠંડી પડી રહી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જ્યારે રાજકોટ પોરબંદર જુનાગઢમાં કોલ્ડ વેની આગાહી કરી છે. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે. જ્યારે 24 કલાક બાદ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. જેના કારણે ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

ઠંડીમાંથી રાહત મળી જશે પરંતુ બીજી તરફ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે વાદળ છાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.રાજ્યમાં સૌથી ઠંડું શહેર નલિયાનું થયું છે, તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું છે. ચાલુ વર્ષે નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે નલિયાનું લઘુત્તમ તાપમાન આજે પણ 2.6 ડિગ્રી નોંધાયુ છે જેથી છેલ્લા નવ વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા નવ વર્ષમાં નલિયામાં 2.6 ડિગ્રીથી તાપમાન નીચું ગયું નથી. આ સાથે સાથે પાટણનું લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર અને રાજકોટનું લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી પર પહોંચ્યું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 7.7 ડીગ્રી નોંધાયું છે. ડાંગનું લઘુમત તાપમાન 10.2 ડીગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરનું લઘુતમ તાપમાન 11.6 ડીગ્રી નોંધાયું છે. આ સાથે સાથે અન્ય શહેરનું તાપમાન પણ ગગળતા ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

(8:17 pm IST)