Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે વડોદરાની મુલાકાતે

બાળમેળો અને વી. સી. સી. આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ જાન્યુઆરીને વડોદરાની મુલાકાતે જશે

તેઓ વડોદરા મહાનગરપાલિકા આયોજિત બાળ મેળાનું તેમજ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એકસપોનું ઉદ્ઘાટન  કરીને ત્યાર બાદ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થવાના છે.
   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે સવારે વડોદરા આવી પહોંચશે.તેઓ કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ૫૦મા બાળમેળાનું સવારે ૯ કલાકે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે ૯:૪૫ કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન  મુખ્ય મંત્રી કરવાના છે.
   કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી નવી દિલ્હી ના તાલ કટોરા સ્ટેડિયમથી દેશના વિદ્યાર્થીઓ સાથે વિડિયો સંવાદ કરવાના અને માર્ગદર્શન પૂરું પાડવાના છે.
 આ  કાર્યક્રમનું વડોદરાના માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે પણ પ્રસારણ  કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ વેળાએ માંજલપુર ખાતેથી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે.
મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(9:05 pm IST)