Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તાપી કિનારે વેડ ગામે 'સ્વચ્છતા અભિયાન'માં સહભાગી થયાં ,

સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા :સ્વામિનારાયણ ગુરુકુળ અને સિદ્ધનાથ મંદિરને કચરાપેટી સહિતની સફાઈ કીટ અર્પણકરી

સુરત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તાપી કિનારે આવેલા વેડ ગામ ખાતે સુરત મહાનગરપાલિકા અને વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના સહયોગથી આયોજિત 'સ્વચ્છતા અભિયાન'માં સહભાગી થયાં હતાં. તેમણે તાપી તટે સફાઈકર્મીઓ અને સ્વચ્છાગ્રહી સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. રાજ્યપાલના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ અને સિદ્ધનાથ મંદિરને કચરાપેટી સહિતની સફાઈ કીટ અર્પણ કરવામાં આવી હતી.

રાજ્યપાલે આ અંગે જણાવ્યું કે, ડાયમંડનગરી, ટેક્સટાઇલ નગરી અને ગુજરાતની સૌથી સ્વચ્છ નગરી તરીકે આગવી ઓળખ ધરાવતું સુરત વિશ્વના ૧૦ વિકસિત શહેરોમાં સ્થાન ધરાવે છે.

સુરત ન માત્ર ગુજરાત પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યું છે. સુરતને સ્વચ્છ બનાવવામાં મનપાના પ્રયાસોની સરાહના કરી હતી, અને સ્વચ્છતાની યાત્રાને ઉત્તરોત્તર સઘન બનાવવા માટે મનપાને અને તેમાં સહયોગ આપવા માટે નાગરિકોને અપીલ કરી હતી.

'નં.૦૧ બનેગા સુરત' સૂત્ર દ્વારા સુરતને મનપાએ દેશનું સૌથી વધુ સ્વચ્છ અને સુઘડ શહેર બનાવવા કમર કસી છે, ત્યારે દેશમાં સ્વચ્છતામાં બીજા ક્રમે રહેલું સુરત શહેર શહેરીજનો અને પ્રશાસનના સહિયારા પ્રયાસોથી આગામી દિવસોમાં નંબર ૦૧ બનશે એવો રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન'ને વેગવાન બનાવી જનતાની ભાગીદારી અતિ આવશ્યક હોવાનો પણ મત વ્યક્ત કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રાજ્યપાલને તાપી શુદ્ધિકરણ અભિયાનની કામગીરી અને પ્રગતિ અંગે જાણકારી આપી હતી

(12:33 am IST)