Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સુરતના રિંગરોડ નજીક સાડીની દુકાન ધરાવતા વેપારી પાસેથી ઉત્તરાખંડના પાંચ વેપારીઓએ 13.18 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

સુરત: શહેરના રીંગરોડ સ્થિત ગોળવાળા માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા ભટાર રોડના વેપારી પાસેથી ઉત્તરાખંડના પાંચ વેપારીએ 45 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું કહી રૂ.13.18 લાખની સાડી ખરીદી બાદમાં પેમેન્ટ નહીં કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર રોડ રામમંદિર પાસે યોગીકૂપા સોસાયટી બી-15,16 માં રહેતા 40 વર્ષીય રમેશભાઈ ભુરારામજી રાઠોડ રીંગરોડ ગોળવાળા માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે. ગત 30 એપ્રિલ 2018 થી 18 માર્ચ 2020 દરમિયાન ઉત્તરાખંડના પિથોરાગઢના બેબી ફેશનના માલિક બેબીદેવી, અંકુર સાડી સેન્ટરના માલિક લોકેન્દ્રકુમાર, પ્રવિણ વસ્ત્ર ભંડારના માલિક પ્રવિણકુમાર, કાર્તિક વસ્ત્ર ભંડારના માલિક રવિન્દ્રકુમાર અને બબલુ સારીઝના માલિક વેદસિંઘે 45 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું કહી રૂ.13,18,374 ની સાડી ખરીદી હતી. જોકે, નિર્ધારીત સમયમાં તમામે પેમેન્ટ નહીં કરતા રમેશભાઈએ ઉઘરાણી કરી તો તમામે શરુઆતમાં વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. આથી રમેશભાઈ રૂબરુ ઉઘરાણી કરવા ગયા તો તેમની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી બાદમાં દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે રમેશભાઈએ પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે સલાબતપુરા પોલીસે પાંચેય વેપારીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:13 pm IST)