Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદમાં ટેસ્ટ મેચ ૨ દિવસમાં પૂર્ણ થઇ જતા બાકીના દિવસોની ટિકીટના પૈસા રીફંડ આપવાની શક્યતા લગભગ નહીંવત

અમદાવાદ: વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવી 4 મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. મહેમાન ટીમે આપેલા 49 રનના લક્ષ્યને ભારતીય ટીમે આઠમી ઓવરમાં હાસિલ કરી લીધો હતો.

ફક્ત બે દિવસમાં જ ટેસ્ટનું પરિણામ આવી જતાં એકતરફ ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ છે તો બીજી તરફ ત્રીજા દિવસની ટિકીટો જે લોકોએ ખરીદી હતી તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં જ 4 માર્ચથી રમાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી વચ્ચે આજે બેઠક મળશે. ત્યારબાદ નક્કી થશે કે ત્રીજા, ચોથા અને પાંચમા દિવસની ટિકિટો ખરીદનારાને રિફંડ આપવું કે નહી. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના આંકડા મુજબ કુલ 64 હજાર ટિકિટનું વેચાણ થયું હતું. ત્રીજા દિવસની 18 હજાર ટિકિટની કિંમત અંદાજે 50 લાખ થાય છે. સામાન્ય રીતે એવો નિયમ છે કે, મેચમાં એકપણ બોલ ન રમાય તો પ્રેક્ષકોને ટિકિટના પૈસા રિફંડ આપવામાં આવે છે.

જોકે તાજેતરમાં મળતી માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ત્રીજા દિવસની ટીકીટના રૂપિયા રિફંડ આપવામાં આવે તેવી શક્યતા લગભગ નહિવત જોવા મળી રહી છે. જો બીસીસીઆઈ (BCCI) અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા રિફંડ આપવામાં આવે તો ભવિષ્યમાં પણ મુશ્કેલીઓ ઉભી થાય તેવો ડર સતાવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ બાકી રહેતા દિવસોની ટીકીટના નાણાં રિફંડ કરાયા નથી, આ સ્થિતિમાં ભારત vs ઇંગ્લેન્ડ પિંક બોલ ટેસ્ટની ટિકિટના રૂપિયા પણ રિફંડ કરવામાં આવે તેવી શકયતા નહિવત જોવા મળી રહી છે.

જો કે ખાસ કિસ્સામાં બીસીસીઆઈ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા ટેસ્ટ મેચના બાકી રહેતા દિવસોની ટિકિટના નાણાં પરત આપવા કે નહીં તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. જો નાણાં રિફંડ આપવાનો નિર્ણય લેવાય તો ભવિષ્યમાં પણ ટેસ્ટ મેચ પત્યા બાદ બાકીના દિવસોના રિફંડ માટે દર્શકો દ્વારા માગ ઉભી થશે તેવો બીસીસીઆઈને ભય સતાવી રહ્યો છે.

(5:21 pm IST)