Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

રાજય સરકારના કર્મચારીઓ દ્વારા ૬ માર્ચે પેન ડાઉન

સરકારના વિરોધમાં એક દિ' કામથી અલિપ્‍ત રહેવાનું એલાનઃ જુની પેન્‍શન યોજના સહિતની માંગણીઓ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૬: રાજય સરકારના કર્મચારીઓ આ વખતે પોતાના પડતર પ્રશ્‍નો માટે સરકાર સામે ધીરે ધીરે આક્રમક લડાઇ તરફ આગળ વધી રહ્યા છે. મોટે ભાગે કર્મચારીઓની આ લડતમાં જુની પેન્‍શન યોજના તથા ફિકસ પગારે કોન્‍ટ્રાકટ પધ્‍ધતિથી ભરતી કરવાની પ્રથા બંધ કરવાની બાબત છે. ગત સપ્‍તાહમાં ગાંધીનગર એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે સત્‍યાગ્રહ છાવણી ખાતે વિશાળ સંખ્‍યામાં ધરણા પ્રદર્શન કરી સુત્રોચ્‍ચાર કર્યો હતો અને કર્મચારી એકતા બતાવી હતી. હવે પેનડાઉનનો આગળનો કાર્યક્રમ નકકી કર્યો છે.

કર્મચારી મંડળે આગામી ૪ થી માર્ચ સુધી વિવિધ નાના મુદાઓ અને ઉપરોકત બે મુખ્‍ય મુદ્દાઓનું નિરાકરણ નહિ આવે તો ૬ડા માર્ચના રોજ રાજયભરના તમામ કર્મચારીઓ પેન ડાઉન સ્‍ટ્રાઇક યોજવાની સંયુકત મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે.

આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવા સંલગ્ન તમામ મંડળો, મહામંડળો અને મહાસંઘોને વિધિવત જાણ કરી છે. મુખ્‍ય જુની પેન્‍શન યોજના લાગુ કરવા અને ફિકસ પગારની યોજના તમામ વિભાગોમાંથી દુર કરી પુરતો પગાર આપવાની વિધિવત ભરતી કરવાની વાત ઉપર વજન આપ્‍યું છે.

ગુજરાત રાજયની સ્‍થાપના થઇ ત્‍યારથી રાજય સરકારમાં પરીક્ષા આપી ઉર્તિણ થયા હોય તેવા તમામ કર્મચારી/અધિકારીઓને નિવૃત્ત થયા બાદ પેન્‍શન આપવાની યોજના અમલમાં હતી. આ યોજના વર્ષ ર૦૦૪-૦પના વર્ષથી બંધ કરવામાં આવી છે.

આ ઉપરાંત કર્મચારીઓને જી.પી.એફ.નો લાભ આપવાની ૧૦% યોજના સામે સરકારે ૧૪ ટકા ફાળો ઉમેરવાની અને કેન્‍દ્રના ધોરણે સાતમાં પગાર પંચના એલ.ટી.સી./ટી.એ.ડીએ./ આજે એલાઉન્‍સ, વતન પ્રવાસ સહિત બાકી રહેતા ભથ્‍થા સુકવવાની તેમજ કેન્‍દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્‍થાનાં દર રપ ટકા થાય ત્‍યારે ઘરભાડુ ૯ યુ, ૧૮ ટકા અને ર૭ ટકા તેમજ મોંઘવારી ભથ્‍થાનો દર પ૦ ટકા થાય ત્‍યારે ઘરભાડુ ૧૦ ટકા ર૦ ટકા અને ૩૦ ટકા ચુકવવાની માંગણીઓ સામેલ છે.

આ અગાઉ કર્મચારી મંડળ દ્વારા સરકાર સાથે મંત્રણાઓ કરવામાં આવી છે. પરંતુ યોગ્‍ય દિશામાં આ માંગણીઓનો નિકાલ ન થતા કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે.

(4:15 pm IST)