Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ક્વોરેન્ટાઇન પૂરો થયા બાદ પરિવાર સાથે રહેવું ગમતું નથી : એકલા રહેવાની જીદ :સતત આપઘાતના વિચાર આવતા હતા

અમદાવાદના રાણીપમાં રહેતા પરિવારે તાત્કાલિક મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માંગતા ટીમે કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો હતો.

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા તે છેલ્લા દોઢ મહિનાથી ક્વોરેન્ટાઈનમાં રહી હતી. ક્વોરેન્ટાઈન પરિયડ પુરા થયા બાદ તેને પરિવાર સાથે રહેવાનું પસંદ ન હતું. છેલ્લા કેટલા દિવસથી મહિલાએ ખાવાપીવાનું પણ છોડી દીધુ અને મનમાં સતત આપઘાતના વિચાર આવતા હતા. જેથી ગભરાઈ ગયેલ પરિવારે તાત્કાલિક મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગી હતી. હેલ્પલાઈનની ટીમે કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો હતો.

શહેરના રાણીપની 45 વર્ષીય મહિલાને છ મહિના પહેલાં કોરોના થતાં, ક્વોરેન્ટાઇન કરાયાં હતાં. બાદમાં ફરી બે વાર ક્વોરેન્ટાઇન કરાયાં હતાં. જેથી મહિલાને દોઢ મહિના એકલું રહેવું પડ્યું હતું, જેથી હવે તેમને ઘરના લોકો સાથે રહેવું ગમતું નહોતું, ઘર છોડીને જતું રહેવું હતું. ઘરના લોકો સાથે કોઈ અણબનાવ કે પ્રોબ્લેમ ન હોવા છતાં પણ તેમની સાથે વાતચીત કરતાં નહોતાં. અવારનવાર આપઘાતના વિચારો આવતાં.

બીજી બાજુ પરિવારના સભ્યોએ આ અંગે અભયમ મહિલા હેલ્પલાઈનને 181 પર કોલ કરીને કાઉન્સેલિંગ માટે વિનંતી કરતાં મહિલા હેલ્પલાઈનની ટીમે મહિલાના ઘરે પહોંચીને તેમની પૂછપરછ કરી હતી. જો કે મહિલા એકલું રહેવું છે અને અવાર નવાર આપઘાતનો વિચાર આવે છે તેવું જ જણાવી રહ્યાં હતાં.

હેલ્પલાઈનની ટીમે મહિલાને એકાંતમાં લઈ જઇને વાતચીત કરી, કાઉન્સેલિંગ કરતા સ્ત્રીની લાગણીઓ અને પરિવારની હૂંફ અંગે વાતચીત કરતાં મહિલા અચાનક રડી પડી હતી. બાદમાં તેને ભોજન કરાવીને મહિલા ટીમે ફરી વખત કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો.

કોરોનાના કારણે લાંબો સમય સુધી એકલા રહ્યા બાદ મહિલાના સ્વભાવમાં એટલુ પરિવર્તન આવી ગયુ હતુ કે, જો કોઈ રૂમમાં આવે તો તેના ચહેરાના હાવભાવ બદલાઈ જતાં અને જો તે વ્યકિત મહિલાની નજીક જાય તો તે ઝઘડો કરવા લાગતી હતી. શરૂઆતમાં પરિવારે તેને સહજતાથી લીધા બાદ સ્થિતિ વધુ બગડતી જણાતા મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી.

(10:51 pm IST)