Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સ્કૂલોએ વાલીઓને ઉઠા ભણાવ્યા ! ફી માફી આપી પણ પોતાનો લાભ જતો ન કર્યો

કોરોનાના પગલે શાળાઓ બંધ થતાં ફી માફીની માગ કરવામાં આવી હતી : જે બાદ ટયૂશન ફીમાં ૨૫ ટકા માફી આપવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ સ્કૂલોએ મનમાની કરી

અમદાવાદ તા. ૨૬ : રાજયમાં કોરોનાના કહેરને પગલે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહ્યા બાદ સરકાર દ્વારા સ્કૂલોની ટ્યૂશન ફીમાં ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ અન્ય ફી ન વસૂલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ આદેશ બાદ પણ શાળાઓએ મનમાની ચાલુ રાખી હતી અને વાલીઓને ઉઠાં ભણાવીને શાળાની કુલ ફીના ૨૫ ટકા રાહત આપી હતી. આમ, વાલીઓને એમ લાગ્યું હતું કે, તેમને ૨૫ ટકા ફી માફી મળી છે. પરંતુ ખરેખર તેમને ૨૫ ટકા ફી માફીનો લાભ ન મળ્યો હોવાનું જાણવા મળે છે.

કોરોનાના કપરા કાળમાં પણ સ્કૂલો પોતાની આવક સામે જ જોતી હોઈ વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. આ સ્થિતિ કોઈ એક-બે સ્કૂલોની નથી પરંતુ પ્રતિષ્ઠિત ગણાતી શાળાઓએ પણ આ જ રીતે વાલીઓને ખોટું ગણિત ભણાવી વધુ ફી લીધી હોવાનું સામે આવ્યું છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

રાજયમાં કોરોનાના કેસ માર્ચ ૨૦૨૦થી આવ્યા બાદ સરકાર દ્વારા સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેતા વાલીઓમાં ફી લઈને માફીની રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા ફી માફીનો નિર્ણય લેવાયો હતો અને તે મુદ્દે સંચાલકો કોર્ટમાં ગયા હતા. છેવટે સરકારે શાળાઓની ટ્યૂશન ફીમાં ૨૫ ટકા માફી આપવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત સ્કૂલો ટ્યૂશન ફી સિવાયની અન્ય ફી નહીં લઈ શકે તેવી જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદ સ્કૂલ સંચાલકોએ વાલીઓને ફી માફી આપી હોવાની જાણકારી આપી હતી.

અમદાવાદની મોટાભાગની સ્કૂલો દ્વારા ટ્યૂશન ફી થકી અન્ય ફી લેવામાં આવતી હોય છે. જેમાં જીમખાના ફી, કમ્પ્યૂટર ફી, લાયબ્રેરી ફી, ડાયરી ફી, આઈડી કાર્ડ ફી સહિતની વિવિધ ફીનો સમાવેશ થાય છે. આ અન્ય ફીની રકમ પણ ખૂબ મોટી થતી હોવાથી શાળાઓ તે જતી કરવા માાગતી નથી. જયારે સરકારે કહ્યું કે, સ્કૂલો જ નથી શરૂ થઈ ત્યારે અન્ય ફી વસૂલી નહીં શકાય તેમ જણાવ્યું હતું. સાથે જ માત્ર ટ્યૂશન ફી ઉઘરાવી શકશે અને તેમાં પણ ૨૫ ટકા રાહત આપવાની રહેશે તેવી જાહેરાત કરી હતી. જો કે, સ્કૂલો મોટી રકમનો ભોગ આપવા ન માગતી હોવાથી તેમણે વાલીઓને સ્કૂલની કુલ ફીના ૨૫ ટકા રાહત આપીને છેતરપિંડી કરી હોવાના અહેવાલ છે.

દાખલા તરીકે, કોઈ એક સ્કૂલની ટ્યૂશન ફી ૩૦ હજાર રૂપિયા અને અન્ય ફી ૧૦ હજાર રૂપિયા મળીને કુલ ફી ૪૦,૦૦૦ છે. હવે સરકારના નિયમ મુજબ, સ્કૂલ ૧૦,૦૦૦ રૂપિયા અન્ય ફી નહીં લઈ શકે અને ૩૦,૦૦૦ રૂપિયામાંથી ૨૫ ટકા રાહત આપવાની રહેશે. મતલબ કે, ૨૨,૫૦૦ રૂપિયા ફી લેવાની થાય છે. આમ, સ્કૂલની વાર્ષિક ફી ૨૨,૫૦૦ રૂપિયા ભરવાની થાય છે. જો કે, હવે સ્કૂલો વાલીઓને એમ સમજાવે છે કે કુલ ફી ૪૦,૦૦૦ રૂપિયા છે અને તેના પર ૨૫ ટકા રાહત મળ્યા બાદ વાલીઓએ ૩૦,૦૦૦ રૂપિયા ભરવાના રહે છે. આમ, વાલીઓને લાગે છે કે, સ્કૂલે ૪૦,૦૦૦ની ફી પર ૨૫ ટકા મુજબ ૧૦,૦૦૦ રૂપિયા માફી આપી છે અને ૩૦,૦૦૦ રૂપિયા લીધા છે. પરંતુ હકીકતે તો સ્કૂલે નિયમ કરતાં ૭,૫૦૦ રૂપિયા વધુ લીધા છે. સ્કૂલે તો માત્ર ૨૨,૫૦૦ રૂપિયા જ ફી લેવાની થાય છે. આમ, સ્કૂલો વાલીઓ સાથે ઠગાઈ કરી રહી છે. આવી રણનીતિ એક-બે નહીં મોટાભાગની સ્કૂલોએ અપનાવી છે

(10:09 am IST)