Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સરકારી કરતા સહકારી ક્ષેત્રે કામગીરી વધુ પ્રભાવક

૭૨ કલાકમાં જ ઓકિસજન યુનિટ તૈયાર : બનાસ ડેરીની હોસ્પિટલમાં ટીમ શંકર ચૌધરીની સિધ્ધી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે બનાસ ડેરી સંચાલિત બનાસ હોસ્પિટલ - મેડીકલ કોલેજ ખાતે ગણતરીની કલાકોમાં નિર્માણ પામેલ ઓકિસજન એકમની મશીનરી અને સંસ્થાના ચેરમેન શંકર ચૌધરીની તસ્વીર.

રાજકોટ તા. ૨૬ : હાલ કોવિડ-૧૯ મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓકિસજનની કારમી અછત સર્જાતી જોવા મળી છે ત્યારે કેટલીક સંસ્થાઓ ઓકિસજનની વ્યવસ્થા કરવા માટે આગળ આવીને ગુજરાતનું અસલી ખમીર દર્શાવી રહી છે. કોવિડ-૧૯દ્ગક્ન ક્રિટિકલ સ્થિતિમાં રહેલા દર્દીઓને ઓકિસજન મળી રહે એ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના એન્જિનિયરોની ટીમે માત્ર ૭૨ કલાકમાં જ તેની જિલ્લા મેડિકલ કોલેજ માટે ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. આ જિલ્લા હોસ્પિટલમાં આથી ઓકિસજનનો પુરવઠો મળતો રહેશે.

બનાસકાંઠા ડિસ્ટ્રીકટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન (બનાસ ડેરી)ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું, 'અમે વિચાર્યુ કે કયાં સુધી ઓકિસજન માટે બાહ્ય સ્ત્રોત પર આધારિત રહેવું? અમે એ માટે અમારી પોતાની કોઈ વ્યવસ્થા ઊભી કરવા માગતા હતા. અમારી ટીમ અને વેન્ડર્સની મદદથી અમે માત્ર ૭૨ કલાકમાં જ ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરી લીધો છે.'

આ પ્લાન્ટમાં ૭૦ જમ્બો ઓકિસજન સિલિન્ડર્સ અથવા તો ૬૮૦ કિલો ઓકિસજન બની શકે છે જે એક દિવસમાં ૩૫-૪૦ દર્દીઓ માટે પૂરતો થઈ શકે છે.

બનાસ ડેરીએ તૈયાર કરેલા આ ઓકિસજન પ્લાન્ટમાં પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ટેકનોલોજીથી હવામાંથી ઓકિસજન અલગ પાડવામાં આવે છે. હવામાં ૨૧ ટકા ઓકિસજન અને ૭૮ ટકા નાઈટ્રોજન અને અન્ય ગેસ હોય છે. પટેલે જણાવ્યું હતું, 'અમારે ૯૩-૯૬ ટકા શુદ્ઘ એવા મેડિકલ ગ્રેડ ઓકિસજનની જરૂર હતી અને એ અમે કરી શકયા છીએ. હવે અમારી ટીમ ઓકિસજનની વ્યવસ્થામાં સમય આપવાને બદલે મુખ્ય મેડિકલ કાર્યમાં ધ્યાન આપી શકશે.' ઓકિસજન મામલે સંપૂર્ણપણે સ્વાયત્ત બની શકાય એ માટે ડેરીની યોજના જિલ્લામાં વધુ બે પ્લાન્ટ શરૂ કરવાની છે. આ રીતે બનાસ ડેરીએ 'જાત મહેનત ઝિંદાબાદ'ની ઉકિત સાર્થક કરી છે.

(11:36 am IST)